Jammu Kashmir Firing Pakistan: પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ કર્યું છે. ગુરુવારે મોડી સાંજે (26 ઓક્ટોબર 2023), પાકિસ્તાની રેન્જર્સે BSFને નિશાન બનાવીને ભારે ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ગોળીબારના કારણે સરહદને અડીને આવેલા ગ્રામજનોને નજીકમાં બનેલા બંકરોમાં આશરો લેવો પડ્યો હતો.       






આ ફાયરિંગ ગુરુવાર રાતથી ચાલુ છે. અરનિયા સેક્ટરના ગ્રામજનોએ કહ્યું હતું, મોડી રાતથી આ ફાયરિંગ ચાલુ છે, અમારા ગામથી સરહદ દોઢ કિલોમીટર દૂર છે, 2-3 વર્ષ પછી આવું થઈ રહ્યું છે, આખા ગામે બંકરમાં આશરો લીધો છે. શું થવાનું છે તેની કોઈને ખબર નથી.                            






અરનિયા સેક્ટરમાં ગ્રામજનોએ શું કહ્યું?


અરનિયા સેક્ટરમાં રહેતી એક મહિલાએ કહ્યું હતું, 'ગઈ રાત્રે 8 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. દરેક જગ્યાએ ભારે ગોળીબાર થયો હતો. આ લગભગ 4-5 વર્ષ પછી થયું જ્યારે તેમની તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર છે. તેમણે કહ્યું હતું કે  અમારા ગામમાં લગ્ન થઈ રહ્યા હતા, બધા ત્યાં ગયા હતા, જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે અમે લોકોને કહ્યું કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે, અત્યારે બધા પોતપોતાના ઘરમાં છૂપાઈ ગયા છે.


આ ફાયરિંગ વચ્ચે BSFએ કહ્યું કે, અમે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. પાકિસ્તાન દ્વારા આ અચાનક ફાયરિંગ શા માટે કરવામાં આવી રહ્યું છે તેની માહિતી મળી શકી નથી. શું આ ગોળીબારમાં કોઈ ગ્રામજનોને જાનહાનિ થઈ છે?તેમણે કહ્યું કે, અમે અત્યારે તેના વિશે માહિતી આપી શકીશું નહીં.