Terrorist Attack in Anantnag: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ/સીઆરપીએફની ટીમને નિશાન બનાવી તેના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
અગાઉ બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના એક પરપ્રાંતિય મજૂરને ગોળી મારીને હત્યા કરી હતી. કાશ્મીર ઝોનની પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "મધ્યરાત્રિ દરમિયાન, બાંદીપોરાના સોડનારા સંબલ ખાતે બિહારના મધેપુરાના બેસધના રહેવાસી મોહમ્મદ અમરેજના પુત્ર મોહમ્મદ જલીલને આતંકવાદીઓએ ગોળીબાર કરીને ઘાયલ કર્યો હતો."
પોલીસે જણાવ્યું હતું કે, અમરેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે દેશ સોમવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. ગુરુવારે, આતંકવાદીઓએ રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ચાર જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ ઘાતક 'સ્ટીલ કોર' બુલેટથી સજ્જ હતા અને ચાર કલાકથી વધુ ચાલેલી અથડામણમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે હુમલો કરનારા બંને 'ફિદાયીન' સંભવતઃ આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા. બંનેએ કેમ્પમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ માર્યા ગયા. આ ઓપરેશનમાં ભારતીય સેનાના છ જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી ચાર જવાનો બાદમાં શહીદ થયા હતા.