શ્રીનગરઃ જમ્મુ જિલ્લામાં રવિવારે એક જ દિવસમાં કોરોનાના 40 મામલા સામે આવ્યા બાદ જિલ્લા તંત્રએ વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. શુક્રવારે સાંજે છ વાગ્યાથી લોકડાઉન શરૂ થશે, જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. 60 કલાક સુધી જિલ્લામાં લોકડાઉન રહેશે.


જમ્મુના ડિસી સુષમા ચૌહાણે જિલ્લામાં 24 જુલાઈથી વીકેંડ લોકડાઉન લાગુ કરવાનો આદેશ કર્યો છે. કલમ 144 અંતર્ગત અધિકારોનો પ્રયોગ કરીને 24 જુલાઈ, શુક્રવાર સાંજે છ વાગ્યાથી સોમવાર, સવારે છ વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિ બંધ રહેશે. માત્ર મેડિકલ ઇમરજન્સીને છૂટ રહેશે. રેલવે અને એરપોર્ટ જતા પ્રવાસીઓ ટિકિટ બતાવીને જઈ શકશે.



રેલવે સ્ટેશન અને એરપોર્ટના સ્ટાફે આવવા-જવા ઓળખપત્ર દર્શાવવું પડશે. સરકારી વિભાગના જરૂરી સેવાઓના કર્મચારીઓ પણ ઓળખપત્ર દર્શાવીને આગળ જઈ શકશે.

આ ઉપરાંત કોઈ કર્ફ્યુ પાસ જાહેર નહીં કરવામાં આવે. પેટ્રોલ-ડીઝલ, એલપીજી ટેન્કરો તથા જરૂરી પદાર્થોને લઈ રહેલા વાહનોના પરિવહનને મંજૂરી આપવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.

જમ્મુ-કાશ્મીરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13 હજારને વટાવી ગઈ છે. જ્યારે 230થી વધારે લોકોના મોત થયા હતા. હાલ રાજ્યમાં 5700થી વધારે એક્ટિવ કેસ છે.