હૈદરાબાદઃ દેશ કોરોના સંકટ સામે લડી રહ્યો છે. આ વૈશ્વિક મહામારી પર કાબૂ મેળવવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. કોરોના સામેની લડાઇમાં સરકારને મદદ કરવા અનેક ક્રિકેટર્સ અને સેલિબ્રિટિઝ મદદે આવ્યા છે ત્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર પવન કલ્યાણે ગુરુવારે બે મોટી જાહેરાત કરી હતી. પવન કલ્યાણે કહ્યું કે, તે કોરોના સામેની લડાઇમા મદદ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોને બે કરોડ રૂપિયા દાનમાં આપશે.



પવન કલ્યાણે ટ્વિટર પર બે ટ્વિટ્સ મારફતે આ જાહેરાતો કરી હતી. તેણે લખ્યું કે, તે વડાપ્રધાન રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપશે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગણા મુખ્યમંત્રી રાહત ફંડમાં 50-50 લાખ રૂપિયા આપશે.



જન સેનાના વડા પવન કલ્યાણે આ દરમિયાન વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેણે ટ્વિટમાં લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માટે હું એક કરોડ રૂપિયા દાન આપીશ. તેમના શાનદાર અને પ્રેરણાદાયક નેતૃત્વ આપણા દેશને કોરોના વાયરસથી જરૂર સુરક્ષિત રાખશે. પવન કલ્યાણે એક અન્ય ટ્વિટમાં લખ્યું કે, હું કોરોના મહામારીનો સામનો કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રી રાહત ફંડ માટે 50-50 લાખ રૂપિયા સહાયતા આપીશ.