રેલવેએ જાહેરાત કરી હતી કે રવિવારે રદ કરવામાં આવેલી ટ્રેનોમાં પેસેન્જર ટ્રેનની સાથે સાથે બીજી મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ સામેલ હશે. રેલવેના મતે શનિવાર અને રવિવાર દરમિયાન રાત્રે 10 વાગ્યાથી દેશના કોઇ પણ સ્ટેશનમાં કોઇ પેસેન્જર કે એક્સપ્રેસ ટ્રેન મળશે નહીં. રેલવે બોર્ડે શુક્રવારે જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નઇ અને સિકંદરાબાદમાં શહેરી રેલવે સેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
રેલવે બોર્ડે આદેશમાં કહ્યું કે, રવિવારે 2400 ટ્રેન રદ કરવામાં આવશે. જોકે, રવિવારે જે પેસેન્જર ટ્રેન સાત વાગ્યે દોડતી હશે તેને ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવશે. જે ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા ઓછી હશે તેને વચ્ચે જ રોકી દેવામાં આવશે. ઇન્ડિગો અને ગોએર પણ જનતા કર્ફ્યૂના સમર્થનમાં આવી છે. ગોએરે પોતાની તમામ સ્થાનિક ઉડાણો રદ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઇન્ડિગોએ ફક્ત 40 ટકા ઉડાણો સંચાલિત કરવાની વાત કરી છે. બંન્ને કંપનીઓના નિર્ણયથી રવિવારે લગભગ એક હજાર ઉડાણો રદ થઇ જશે.