નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં આજે 13 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. આ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી છે.




સ્વાસ્થ્ય મંત્રાલવયની વેબસાઈટ મુજબ, કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધીમાં દેશના 20 રાજ્યો છે. મહારાષ્ટ્રમાં આ જીવલેણ વાયરસના સૌથી વધુ 63 દર્દીઓ છે, જેમાં ત્રણ વિદેશી પણ સામેલ છે. કેરળમાં 28 સંક્રમિત છે. જેમાં બે વિદેશી દર્દી સામેલ છે. ઉત્તરપ્રદેશમાં 22, હરિયાણામાં 17, કર્ણાટકમાં 15, દિલ્હીમાં 17,લદાખમાં 10, તેલંગણામાં 17, રાજસ્થાનમાં 17, જમ્મુ કાશ્મીર 4, તામિલનાડુ 3, ઓરિસ્સામાં 2, પંજાબમાં 2,ઉત્તરાખંડમાં 3, આંધ્રપ્રદેશ 3, બંગાળમાં 3,ચંડીગઢમાં 1 કેસ, ગુજરાતમાં 8 કેસ સામે આવ્યો છે.



સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના 2,75,784 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાંથી 11,397 લોકોના મોત થયા છે. ચીનથી પેદા થયેલા આ વાયરસે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં મહામારીનું સ્વરૂપ લઈ લીધુ છે.



ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાની લોકોને અપીલ કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં કોરોના વાયરસથી બચવાની જાણકારી અપાઈ છે.