Shivshahir Babasaheb Purandare Death: જાણીતા ઈતિહાસકાર અને પદ્મ વિભૂષણથી સન્માનિત બલવંત મોરેશ્વર પુરંદરેનું આજે પુણેની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. શિવ શાહિર બાબાસાહેબ પુરંદરેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, મારી પાસે આના માટે શબ્દો નથી.


પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયાના એક યુગનો અંત આવ્યો છે. તેમના કારણે જ આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી રહેશે. તેમના કાર્યોને પણ યાદ કરવામાં આવશે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ તેમને શનિવારે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ગંભીર હોવાના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પુરંદરેની મોટાભાગની રચના મરાઠી યોદ્ધા શિવાજી મહારાજના જીવન સંબંધિત છે. તેમને 2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922ના રોજ થયો હતો.




કોણ છે બાબાસાહેબ પુરંદરે


બાબાસાહેબ પુરંદરે દેશના લોકપ્રિય ઈતિહાસકાર-લેખકની સાથે થિયેટર કલાકાર પણ હતા. તેમને છત્રપતિ શિવાજી મહારાજ પર પોતાની વિશેષજ્ઞતાના કારણે ઓળખવામાં આવે છે. તેમણે શિવાજીના જીવનથી લઈ તેમના શાસન અને તે સમયના કિલ્લા પર અનેક પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત તેમણે છત્રપતિ શિવાજીના જીવન અને નેતૃત્વની શૈલી પર લોકપ્રિય નાટક જાણતા રાજાનું નિર્દેશન પણ કર્યું છે.