Bihar Politics: બિહારમાં એનડીએ (NDA) સરકારની પ્રચંડ જીત બાદ પણ રાજકીય અટકળોનો દોર શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિપક્ષો દ્વારા સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ (BJP) નીતિશ કુમાર પર મુખ્યમંત્રી પદ છોડવા માટે દબાણ કરી રહ્યું છે જેથી તેઓ પોતાના નેતાને સીએમ બનાવી શકે. આ તમામ અફવાઓ અને રાજકીય અટકળો (Political Speculations) વચ્ચે જનતા દળ યુનાઈટેડ (JDU) એ મૌન તોડ્યું છે અને વિપક્ષના દાવાઓને પાયાવિહોણા ગણાવી સણસણતો જવાબ આપ્યો છે.

Continues below advertisement

'રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી'

JDU ના વરિષ્ઠ નેતા દિનેશ ચંદ્ર યાદવે બુધવારે (24 ડિસેમ્બર, 2025) દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા સ્પષ્ટતા કરી હતી. તેમણે IANS ને જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું (Resignation) આપવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. હાલના સમયમાં મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે જેને રોકવી મુશ્કેલ છે. લોકો પોતાની મનસૂબો મુજબ વાતો ફેલાવી રહ્યા છે, પરંતુ તેમાં કોઈ સત્ય નથી."

Continues below advertisement

નીતિશ કુમાર 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરશે

વિપક્ષના પ્રહારોનો જવાબ આપતા જેડીયુ નેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે, "જ્યારે જનતાએ આટલી મોટી બહુમતી આપી છે, તો પછી તેમને કોણ હટાવશે? નીતિશ કુમાર પોતાનો કાર્યકાળ (Tenure) પૂર્ણ કરશે." તેમણે દિલ્હી મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે મુખ્યમંત્રી રાજ્યના વિકાસ અને હિત માટે દિલ્હી આવ્યા હતા. ટૂંક સમયમાં કેન્દ્ર સરકારનું બજેટ (Union Budget) રજૂ થવાનું છે, તેથી તેમણે બિહારની જરૂરિયાતો અંગે વડાપ્રધાન સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. સરકાર રાજ્યને જરૂરી મદદ ચોક્કસ પૂરી પાડશે.

પીએમ મોદી અને શાહ સાથેની બેઠકનું મહત્ત્વ

ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જંગી જીત (Landslide Victory) બાદ આ નીતિશ કુમારની પ્રથમ દિલ્હી મુલાકાત હતી. ગત સોમવારે નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળ્યા હતા. પીએમ નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક વહીવટી અને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, નીતિશ કુમાર હવે પટના પરત ફર્યા છે, પરંતુ આ મુલાકાત બાદ બિહારના રાજકારણ (Bihar Politics) માં નવા સમીકરણો અંગેની ચર્ચાઓ હજુ પણ જોરમાં છે.