રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શનિવારે સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. બીજા તબક્કામાં 62.24 ટકા મતદાન નોંધાયું છે. હિંસાની એક ઘટનાને બાદ કરતા તમામ સીટો પર લગભગ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે દૂરના કેટલાક વિસ્તારના મતદાનના આંકડા પ્રાપ્ત થયા નથી. મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે.


સિસઈમાં સુરક્ષા દળો અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણમાં સુરક્ષા જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક ગ્રામીણનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા.

મુખ્યમંત્રી રઘુવર દાસ, સરયૂ રાય, બીજેપી પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા, સ્પીકર દિનેશ ઉરાંવ, મંત્રી નીલકંઠ સિંહ મુંડા, પૂર્વ મંત્રી રાજા પીટર અને પૂર્વ નક્સલી કુંદન પાહની કિસ્મત બીજા તબક્કામાં દાવ પર છે.

રાજ્યની 20 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. તેમાં બહરાગોડા,ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર વેસ્ટ, સરાયકેલા, ખરસાવા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપર, તમાડ, માંડર, તોરપા, ખુંટી, સિસઈ,સિમડેગા અને કોલેબિરા બેઠકો છે. બીજા તબક્કાના મતદાનમાં મુખ્યમંત્રી રધુબર દાસ જમશેદપુર પૂર્વ બેઠક પરથી મેદાનમાં છે.

વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13 બેઠકો પર 64.44 ટકા મતદાન થયું હતું.