રાંચીઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરોને હોમ કોરેન્ટાઈન થયા છે અને તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયના તમામ અધિકારી-કર્મચારીને પણ હોમ કોરન્ટાઈન થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઝારખંડના સીએમ હેમંત સોરેને ટ્વિટ કરીને કહ્યું, કેબિનેટના મારા સાથી મંત્રી મિથિલેશ ઠાકુર અને અમારા પક્ષના ધારાસભ્ય મથુરા મહતો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. બંને સાથીની સરકારી હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. અગમચેતીના ભાગ રૂપે આજથી આગામી થોડા દિવસો માટે હું સેલ્ફ આઇસોલેશનમાં રહીશ.


ઝારખંડના માહિતી ખાતાના જણાવ્યા મુજબ, સીએમ હેમંત સોરેને જાતે જ હોમ કોરન્ટાઈન થયા છે અને તેમણે બધા ઓફિસરો તથા CMOના સ્ટાફને હોમ કોરન્ટાઈન થવાની વિનંતી કરી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ગઈકાલે રાજ્ય મંત્રી મિથિલેશ કુમારના સંપર્કમાં આવ્યા હતા. જેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.


સીએમ હેમંત સોરેનનો કોરોના ટેસ્ટ જલદી થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્યમંત્રી આવાસને સીલ કરી દેવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઝારખંડમાં કોરોનાના 2996 કેસ છે. 22 લોકોના મોત થયા છે. 2104 લોકો સાજા થઈ ગયા છે અને 870 એક્ટિવ કેસ છે.