હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, કોરોના વાયરસના સંક્રમણના ઊંચા દરને જોતા તેલંગાણા અને કર્ણાટક દેશના નવા હોટસ્પોટ બનવા જઈ રહ્યા છે. જેના ત્રણ કારણ છે - કેસનો ઊંચો વૃદ્ધિ દર, કોરોનાનો વધારે પોઝિટિવ રેટ અને ઓછામાં ઓછું એક મોટું શહેર મામલાનું હોટસ્પોટ છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ છે.
અખબારે દેશના 20 રાજ્યોના આંકડાનું વિશ્લેષણ કરી આ ત્રણ માપદંડના આધારે ઓળખ કરી છે. રિપોર્ટ મુજબ તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, આસામ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાંથી તેલંગાણા અને કર્ણાટક હોટસ્પોટ બની શકે છે.
27,612 કોવિડ-19 કેસ સાથે તેલંગાણા મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરપ્રદેશ બાદ દેશનું છઠ્ઠું સૌથી સંક્રમિત રાજ્ય બની ગયું છે. તેલંગાણામાં છેલ્લા બે સપ્તાહથી રોજના સરેરાશ 1200 નવા મામલા નોંધાયા છે.
કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26,815 પર પહોંચી છે. 416 લોકોના મોત થયા છે. 11,098 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે અને 15,301 એક્ટિવ કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 482 લોકોના મોત થયા છે અને 22,752 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,42,417 પર પહોંચી છે અને 20,642 લોકોના મોત થયા છે. 4,56,831 લોકો સાજા થઈ ગયા છે અને 2,64,944 એક્ટિવ કેસ છે.