રાંચીઃ કોરોના કાળ દરમિયાન સરકાર અલગ-અલગ નિયમો દ્વારા લોકોને મહામારીથી બચાવવાની કોશિશ કરી રહી છે. અનેક રાજ્યોએ કડક નિયમો બનાવ્યા છે. આ દરમિયાન ઝારખંડથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડમાં માસ્ક ન પહેરવા પર એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે અને બે વર્ષની જેલ પણ થઈ શકે છે.


ઝારખંડ કેબિનેટે સંક્રામક રોગ અધ્યાદેશ 2020 આંશિક રીતે પાસ કરી દીધો છે. જે અંતર્ગત આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ઝારખંડમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા ઝડપથી વધી રહી છે જેને લઈ હેમંત સોરેન સરકારે આ ફેંસલો લીધો છે.


આ અંગે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું, હજુ અધ્યાદેશ પૂર્ણ રીતે પાસ નથી થયો. જે દંડની વાત છે તે કોઈ કેસમાં દોષી જણાયા બાદ એક લાખનો દંડ આપવો પડશે. સ્પોટ ચેકિંગમાં પકડાવા પર એક લાખનો દંડ આપવો પડશે તેવું નથી. અમારી સરકાર પૂરી સભાનતા સાથે કોરોના સામે ચળવળ ચલાવી રહી છે. કોરોના ગાઇડલાઇન્સનના ઉલ્લંઘનમાં દોષી જણાશે તો બે વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.

ઝારખંડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,485 પર પહોંચી છે. 64 લોકોના મોત થયા છે. રાજ્યમાં 3,024 લોકો સાજા થઈ ગયા છે અને 3,397 એક્ટિવ કેસ છે.