રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું જે પરિણામ સામે આવી રહ્યું છે તેનાથી નક્કી છે કે રાજ્યમાંથી ભાજપ સત્તા ગુમાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં નિષ્ફળતા મળ્યા બાદ ઝારખંડ ગુમાવવું ભાજપ માટે ઝટકા સમાન છે. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના સહયોગી આજસૂ સાથે બેઠકોની સહમતિ મુદ્દે ગઠબંધન તોડી નાખ્યું હતું. પરિણામો પરથી જોઈ શકાય છે કે આજસૂ સાથે ગઠબંધન તોડવાનું પરિણામ ભાજપને ભારે પડ્યું છે.


ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ ભાજપ 24 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કૉંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે. ઝારખંડમાં બહુમતી માટે 41 બેઠકોની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીની સહયોગી રહેલી આજસૂએ 51 બેઠકો પર  ચૂંટણી લડી હતી તે બે બેઠકો પર આગળ છે.

ભાજપ અને આજસૂના વોટ શેરને જોવામાં આવે તો બંને પક્ષોએ સાથે મળ ચૂંટણી લડી હોત તો પરિણામ કંઈક આવ્યું હોત. ભાજપનું આજસૂ સાથે ગઠબંધન ન હોવાના કારણે 12 બેઠકોના નુકસાનનો સામનો કરવો પડ્યો છે. 2014માં ભાજપે 37 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે આજસૂએ 5 ધારાસભ્યો સાથે ભાજપની સરકાર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.