નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટમીના પરિણામની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપના હાથમાંથી આ રાજ્ય પણ જતું જોવા મળી રહ્યું છે. જો આમ થાય તો ઝારખંડ પણ એ રાજ્યમાં સામેલ થઈ જશે જે ઝડપથી ભાજપના હાથમાંથી નીકળી જશે. વિતેલા વર્ષે માર્ચમાં ભારતના નક્શાના બે તૃતિયાંશથી વધારે ભાગ ભગવા રંગમાં રંગાયેલ હતો. બાદમાં એક એક કરીને અનેક રાજ્યોમાં ભાજપ સત્તા ગુમાવતી આવી છે. હાલમાં જ તેણે મહારાષ્ટ્રમાં હારનો સામનો કરવો પડ્યો. જ્યાં 2018માં 21 રાજ્યોમાં ભાજપ સત્તામાં હતી તો હવે 2019 જતા જતા માત્ર 15 રાજ્યો સુધી આવી ગઈ છે.


વિતેલા વર્ષે ત્રણ રાજ્ય ગુમાવ્યા

વિતેલા વર્ષે ભાજપે ત્રણ રાજ્યો ગુમાવ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ડિસેમ્બર 2018માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કર્યો. ત્યાર બાદ હાલમાં જ મહારાષ્ટ્રમાં પણ સત્તા હાથમાંથી ગઈ. જે રાજ્યોમાં ભાજપે હાલમાં સરકાર બનાવી છે, ત્યાં પણ સ્થિતિ ઠીક નથી. હરિયાણામાં પણ ભાજપ પોતાના દમ પર સત્તામાં નથી આવી શકી.

ઝારખંડ પણ ગુમાવશે

વલણ જોતા સ્પષ્ટ છે કે ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. હાલમાં 81 સીટમાંથી 41 સીટ પર ગઠબંધન આગળ છે જ્યારે 29 સીટ પર ભાજપ આગળ ચાલી રહી છે. જેવીએમના ત્રણ, આજસૂના ત્રણ અને અન્ય ચાર સીટ પર આગળ ચાલી રહી છે.