રાંચી: ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રી રઘુવર દાસ પણ મતગણતરીમાં ભાજપના બાગી નેતા સરયૂ રાયથી જનશેદપુર પૂવ બેઠક પરથી ઘણા પાછળ ચાલી રહ્યા છે. પાર્ટી અને પોતાની હારની જવાબદારી સ્વીકારતા રઘુવર દાસે કહ્યું જનતાએ જે જનાદેશ આપ્યો છે તેનું સ્વાગત કરૂ છું.


તેમણે કહ્યું, રાજ્યના સવા ત્રણ કરોડ લોકોનો આભાર. 5 વર્ષ સુધી ઈમાનદારીથી કામ કરવાનો પ્રયાસ કર્યો. જો ભાજપ ચૂંટણી હારે છે તો આ મારી હાર છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ છે. મતગણતરીમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ-જેએમએમ ગઠબંધન 46 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાની સહયોગી પાર્ટી આજસૂ સાથે બેઠકોની સહમતિ મુદ્દે ગઠબંધન તોડી નાખ્યું હતું. પરિણામો પરથી જોઈ શકાય છે કે આજસૂ સાથે ગઠબંધન તોડવાનું પરિણામ ભાજપને ભારે પડ્યું છે.