Mukhyamantri Maiya Samman Yojana: ઝારખંડમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આને લઈને રાજ્ય સરકાર જનતાને ભેટ આપવામાં લાગી ગઈ છે. ઝારખંડ સરકારે રાજ્યમાં મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ કુલ 50 લાખ મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા આપવામાં આવશે.


આ યોજનાના લાભાર્થીઓની ઓળખ માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં કેમ્પ લગાવવાનું શરૂ કરી દીધું છે. આ માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના પર શનિવાર (3 ઓગસ્ટ 2024)થી અરજીઓ અપલોડ કરવામાં આવી રહી છે.


21થી 50 વર્ષની મહિલાઓને મળશે પૈસા


ઝારખંડ સરકારની યોજનાનો ઉદ્દેશ એ છે કે મહિલાઓ આ સહાય રાશિનો ઉપયોગ કરીને તેમની રોજબરોજની જિંદગીમાં આવતી જરૂરિયાતોને પૂરી કરી શકે અને તેમને કોઈ બીજા પર આધાર રાખવો ન પડે. આ યોજનાનો લાભ 21 વર્ષથી 50 વર્ષની ઉંમરની મહિલાઓને આપવામાં આવશે.


ઝારખંડના મહિલા, બાળ વિકાસ અને સામાજિક સુરક્ષા વિભાગના સચિવ મનોજ કુમારે જણાવ્યું કે પહેલા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2582 અરજીઓ પ્રાપ્ત થઈ. મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજનાનો લાભ એ જ મહિલાઓને મળશે જેમને કોઈપણ પ્રકારની પેન્શન મળતું નથી.


અધિકારીએ જણાવ્યું કે આ સરકારની ફ્લેગશિપ સ્કીમ છે, જેમાં લક્ષ્ય અનુસાર મહિલાઓને લાભ આપવા માટે મિશન મોડમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં પણ કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે ત્યાં 800-1000 લોકો આવી રહ્યા છે. આ યોજના પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે 2 ઓગસ્ટે રથ રવાના કરવામાં આવ્યો. સીએમ હેમંત સોરેન પોતે આ યોજના પર નજર રાખી રહ્યા છે અને વિભાગીય સ્તરે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


આ યોજના માટે જરૂરી શરતો


આ વિભાગના સચિવે જણાવ્યું કે જે લોકો પાસે રાશન કાર્ડ નથી તેમને પણ યોજનાનો લાભ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે ઝારખંડનો નિવાસી હોવું જરૂરી છે.


લોકસભા ચૂંટણી પહેલા EDએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. આના પછી ઝારખંડની રાજનીતિમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. આખરે લોકસભા ચૂંટણી પછી હેમંત સોરેનને જામીન મળ્યા અને જેલમાંથી બહાર આવીને તેમણે ફરીથી રાજ્યના સીએમ પદની શપથ લીધી.