ભાજપના ક્યા ટોચના નેતાએ આતંકવાદીઓને ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવા કહ્યું? સર્જાયો મોટો વિવાદ
abpasmita.in | 22 Jul 2019 10:08 AM (IST)
મલિકે એવું કહ્યું હતું કે, મને આંતકવાદીઓના મરવાથી પણ દુ:ખ થાય છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે પણ એક વ્યક્તિનો પણ જીવ જાય તો મને તકલીફ થાય છે
શ્રીનગર: ભાજપના ટોચના નેતા અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આતંકવાદીઓને ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવા કહેતાં વિવાદ સર્જાયો છે. કારગિલમાં એક સમારોહમાં રવિવારે મલિકે કહ્યું કે આતંકીઓએ પોલીસને બદલે ભ્રષ્ટ નેતાઓ અને અમલદારશાહોની હત્યા કરવી જોઇએ. કારગિલમાં મલિકે કહ્યું કે, આ યુવાનો બંદૂક હાથમાં લઇ અમસ્તા આપણા લોકોને મારી રહ્યા છે. આ યુવાનો પીએસઓ, એસડીઓને શા માટે મારે છે? તેના બદલે એમને મારો જેમણે તમારો દેશ લૂંટ્યો છે, જેમણે કાશ્મીરની બધી સંપત્તિ લૂંટી લીધી. તેમાંથી કોઇને પણ માર્યો છે અત્યાર સુધી ? બંદૂકથી કાંઇ હાંસલ નહીં થાય.’ આ પહેલાં પણ મલિકે એવું કહ્યું હતું કે, મને આંતકવાદીઓના મરવાથી પણ દુ:ખ થાય છે. પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે પણ એક વ્યક્તિનો પણ જીવ જાય તો મને તકલીફ થાય છે, પછી તે આતંકી જ કેમ ન હોય.’ આ કાર્યક્રમમાં તેમણે કારગિલ અને લેહમાં વધારે પર્યટન ઉત્સવો કરવા પર ભાર મૂક્યો હતો. કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ નિવેદનની ટીકા કરી છે. ઉમરે ટ્વીટ કરી છે કે ‘ એક બંધારણીય હોદ્દા પર બેઠેલા જવાબદાર વ્યક્તિ આતંકીઓને ભ્રષ્ટ કહેવાતા નેતાઓને મારવાનું કહે છે. આ માણસે ગેરકાયદે હત્યાઓ અને કાંગારુ કોર્ટોને મંજૂરી આપતા પહેલાં પોતે ક્યા હોદ્દા પર બેઠા છે તે સમજવું જોઈએ.