નવી દિલ્હી: વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની (જેએનયુ) હોસ્ટેલમાં ફી વધારાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હોસ્ટેલ ફી, મેસની ફી વધારાને લઈ જેએનયુના વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. જેના બાદ આજે શિક્ષણ મંત્રાલયે કહ્યું કે ફી વધારાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રલાયના સચિવ આર સુબ્રમણ્યમે ટ્વિટ કરી કહ્યું કે, જેએનયૂની કાર્યકારી સમિતિએ હોસ્ટેલ ફી વધારાનો નિર્ણય પરત ખેંચ્યો છે. સાથે ઈડબ્લ્યૂએસ વિદ્યાર્થીને આર્થિક મદદ કરવાની એક યોજનાની દરખાસ્ત કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે જેએનયુમાં સિંગલ સીટર રૂમનું ભાડું 10 રૂપિયા હતું તે 300 રૂપિયા કરાયું હતું. ડબલ સીટર રૂમનું ભાડું 20 રૂપિયા હતું જે 600 રૂપિયા કરવામાં આવ્યું હતું, મેસ સિક્યોરીટીની વન ટાઇમ ફી 5500 રૂપિયા હતી જે 12 હજાર કરવામાં આવી હતી. આ પહેલાની અપેક્ષા કરતા વધારે હતી. જેને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.