શરજીલ ઈમામની બિહારના જહાનાબાદથી દિલ્હી પોલીસે કરી ધરપકડ, દેશદ્રોહનો કેસ છે દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jan 2020 03:50 PM (IST)
શરજીલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે પોતાના ભાષણમાં આસામ સહિત પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની વાત કરી હતી. આ વિવાદિત ભાષણ બાદથી જ શરજીલ ઈમામ ફરાર હતો.
જહાનાબાદ: જવાહરલાલ નેહરું યુનિવર્સિટી (JNU)નો વિદ્યાર્થી શરજીલ ઈમામની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે બિહારના જહાનાબાદથી તેની ધરપકડ કરી છે. શરજીલ પર પોલીસે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. શરજીલ ઈમામે દેશ વિરોધી નિવેદન આપતા તે વિવાદમાં હતો. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે પોતાના ભાષણમાં આસામ સહિત પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની વાત કરી હતી. આ વિવાદિત અને ભડકાઉ ભાષણ બાદથી જ શરજીલ ઈમામ ફરાર હતો. દિલ્હી પોલીસે ઈમામ વિરુદ્ધ રવિવારે ભારતીય દંડ સંહિતાની ધારા 124 એ, 153 એ અને 505 હેઠળ કેસ દાખલ કર્યો હતો. તે સિવાય તેની વિરુદ્ધ 16 જાન્યુઆરીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટમાં આપેલા એક ભાષણને લઈને શનિવારે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આસામ પોલીસે પણ શરજીલના ભાષણને લઈને તેની વિરુદ્ધ આતંકવાદ એન્ટી ટેરોરિઝ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. શરજીલ ઈમામ બિહારના જહાનાબાદ જિલ્લાનો રહેવાસી છે. માનવામાં આવે છે કે સીએએ વિરુદ્ધ શાહીનબાગના આંદોલનને શરૂઆતી દિવસોમાં મજબૂત દિશા આપવામાં તેની મહત્વની ભૂમિકા રહી છે.