નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. જેએનયુ યુનિવર્સિટી અધ્યક્ષ આઈશી ઘોષ પર હુમલો કરવામાં આવ્યો છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેના માથા પરથી લોહી વહી રહ્યું છે.

રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, શરદ પવાર સહિતના નેતાઓએ જેએનયૂમાં હુમલાની નિંદા કરી છે.

મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓના એક ગ્રૂપના કેટલાક બુકાનીધારી લોકોએ રોડ અને ડંડો માર્યો હતો. જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલ.ય સંઘના અધ્યક્ષ આઈશી ઘોષે જણાવ્યું કે તેમના ઉપર હુમલો થયો હતો. ઘોષે કહ્યું કે, ગુંડાઓએ બુકાની બાંધીને મારા ઉપર હુમલો કર્યો હતો. મારું લોહી વહી રહ્યું છે. મને ખરાબ રીતે મારવામાં આવી હતી. આ હિંસામાં ઘાયલ 15થી વધારે વિદ્યાર્થીઓ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે

કૉંગ્રેસ મહાસિચવ પ્રિયંકા ગાંધી ઘાયલ વિદ્યાર્થીઓને મળવા એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

ગૃહ મંત્રાલયે ટ્વીટ કર્યું કે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે જેએનયુ મુદ્દે વાત કરી છે અને તેમને જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.




જ્યારે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના વિદ્યાર્થી નેતાઓએ કથિત રીતે આરોપ લગાવ્યો કે જેએનયૂના પેરિયાર હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે વામપંથી વિદ્યાર્થીઓએ મારપીટ કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. એબીવીપીના જેએનયૂ યૂનિટના અધ્યક્ષ દુર્ગેશે કહ્યું વામ સદસ્ય પેરિયાર હોસ્ટેલમાં ભેગા થયા, અહી તોડફોડ કરી અને અંદર બેઠેલા એબીવીપીના વિદ્યાર્થીઓને માર માર્યો.


એબીવીપીએ દાવો કર્યો છે કે તેમના અધ્યક્ષ પદના ઉમેદવાર મનીષ જાંગિડને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે. દુર્ગેશે કહ્યું વિદ્યાર્થીઓ પર પથ્થર ફેંકવામા આવ્યા, જેના કારણે માથા પર ઈજા પહોંચી છે.