પટણાઃ બિહારના પટણાના ગાંધી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં વડાપ્રધાન સિવાય બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ સામેલ થયા હતા. રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જે લોકો ગરીબોનું છીનવીને પોતાની દુકાન ચલાવી રહ્યા હતા તેઓ ચોકીદારથી  પરેશાન છે. એટલા માટે ચોકીદારને ગાળો આપવાનું કાવતરુ ચાલી રહ્યું છે. તમારો ચોકીદાર પુરી રીતે સજાગ છે. નવું ભારત નવી નીતિઓ સાથે આગળ વધી રહ્યું છે. હવે આપણા જવાનોના મોત પર હિંન્દુસ્તાન ચૂપ નહી રહે પરંતુ બદલો લેશે. જે સમયે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે 21 વિપક્ષી પાર્ટીઓ નિંદા પ્રસ્તાવ પાસ કરી રહી હતી. આપણી સેના દેશની અંદર કે બહાર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે ત્યારે કેટલાક લોકો એવા કામ કરી રહ્યા છે જેનાથી પાકિસ્તાની ટીવી ચેનલો પર તાળીઓ વાગી રહી છે. આ લોકો આતંકીઓ પરની કાર્યવાહીના પુરાવા માંગી રહ્યા છે. સૈન્યનું મનોબળ તોડી રહ્યા છે.


પોતાની સરકારની વિદેશ નીતિના વખાણ કરતા વડાપ્રધાને કહ્યું  કે, સાઉદી અરબે હજનો કોટા વધાર્યો છે. હવે બે લાખ કરી દીધો છે. સાઉદી અરેબિયાની જેલમાં બંધ 850 કેદીઓનો છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકોએ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા  હતા એ લોકો આપણા જવાનોના પરાક્રમ પર શંકા કરી પુરાવા માંગી રહ્યા છે.

આ અગાઉ નીતિશ કુમારે કહ્યું કે હું વડાપ્રધાનને સમાજમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઇ રહે તેવી વિનંતી કરું છું. કોઇ પણ ધર્મના લોકોએ  એકબીજાની ઇજ્જત કરવી જોઇએ. નીતિશ કુમારે બિહારની તમામ 40 લોકસભા બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.