ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ આજે રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. સિંધિયાએ ફોર્મ ભર્યું ત્યારે તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેંદ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમર, રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવ હાજર રહ્યા હતા.



સૂત્રોની જાણકારી અનુસાર, શુક્રવારે જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોર્મ ભર્યા સમયે બેંગલુરૂમાં રોકાયેલા બાગી ધારાસભ્યો પહોંચવાની સંભાવના હતી, પરંતુ તે ન પહોંચી શક્યા. કમલનાથે દાવો કર્યો છે કે સરકારને કોઈ ખતરો નથી.

ભાજપમાં સામેલ થતા જ સિંધિયાને મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કૉંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જો આંકડાની વાત કરવામાં આવે તો બંને દિગ્ગજ નેતાઓ સરળતાથી જીત મેળવી લેશે.

મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રીજી બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. કૉંગ્રેસે ફૂલ સિંહ ભારિયા તો ભાજપે સુમેર સિંહ સોલંકીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.