નવી દિલ્લીઃ કોંગ્રેસમાં હમણાં કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ વધી એક મુશ્કેલીમાં ફસાઈ છે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને ચેતવણી આપી છે કે, તેમને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નહીં બનાવાય તો તે પક્ષ છોડી દેશે.


સૂત્રોના જાણાવ્યા પ્રમાણે જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોનિયા ગાંધીને સ્પષ્ટ કહી દીધું છે કે, તેમને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નહીં બનાવાય તો પોતે રાજીનામું આપી દેશે અને પાર્ટી પણ છોડી દેશે. હાલમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પ્રદેશ પ્રમુખ છે.

જો કે મધ્ય પ્રદેશની કમલનાથ સરકારના કેબિનેટ મંત્રી  અને સિંધિયા સમર્થક પ્રદ્યુમ્નસિંહ તોમરે કહ્યું છે કે, આ માત્ર એક અફવા છે. સિંધિયાજીએ ક્યારેય પદની લાલસા રાખી નથી અને તે તો સમાજસેવા માટે રાજકારણમાં છે. કેટલાક લોકો છે આવી અફવા ફેલાવી રહ્યાં છે.

જો કે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, કોંગ્રેસના લોકો જ ઈચ્છે છે કે સિંધિયાજીને મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે. તોમરે કહ્યું કે, તેમના સમર્થક તેમને આ હોદ્દા પર મૂકવાની માંગણી કરી રહ્યાં છે. સિંધિયાની ધમકીની વાત વચ્ચે કમલનાથ શુક્રવારે સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતાં.