કાનપુરઃ કાનપુરમાં પોલીસકર્મીઓ પર હુમલાના મુખ્ય આરોપી વિકાસ દુબે પર મોટી કાર્યવાહી થઈ છે. જે ઘરમાંથી તેણે પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યુ હતું તેને જેસીબીથી તોડી પાડવામાં આવ્યું છે. ઉપરાંત પોલીસે વિકાસના ઘરમાં રહેવા વાહનો પણ જપ્ત કર્યા છે. વિકાસના ઘરમાં ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો બે ગાડી હાજર હતી. જેમાંથી એક ગાડી વિકાસના નામ પર છે, જ્યારે બીજી ગાડી અમન તિવારીના નામે રજિસ્ટર્ડ છે. ઘરમાં વિકાસના પિતા હતા, તેમને અન્ય મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

ચૌબેપુર પોલીસ સ્ટેશનના પ્રભારી વિનય કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિનય કુમાર પર માહિતી લીક કરવાનો આરોપ છે. તેની સાથે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. અનેક કલાકો વીતવા છતાં વિકાસ દુબે પોલીસની ધરપકડથી બહાર છે. તેને પકડવા પોલીસની 25થી વધુ ટીમ ઉત્તર પ્રદેશ અને વિવિધ વિસ્તારોમાં સતત છાપા મારી રહી છે.



કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે વિકાસ દુબે અંગે સાચી માહિતી આપનારાને 50 હજાર રૂપિયાની ઈનામ આપવાની જાહેરાત કરી છે. જાણકારી આપનારાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.



કાનપુરના બિકરૂ ગામમાં વિકાસ દુબે નામના ખૂંખાર ગેંગસ્ટરને પકડવા ગયેલી પોલીસની ટીમ પર પૂર્વ આયોજીત હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસ દુબેના માણસોએ છત પરથી ગોળીબાર કર્યો હતો. જેમાં આઠ પોલીસકર્મીના મોત થયા હતા, જ્યારે એક નાગરિક અને થ પોલીસકર્મી ઘાયલ થયા હતા. હુમલાખોરો માર્યા ગયેલા પોલીસકર્મીના હથિયાર લઈને ફરાર થઈ ગયા હતા.