નવી દિલ્હીઃ કાનપુર એનકાઉન્ટર મામલે ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એનકાઉન્ટરમાં વિકાસ દુબેના વધુ બે સાથીઓ પ્રભાત મિશ્રા અને બઉઅનને ઠાર કર્યા છે. વિકાસની નજીક માનવામાં આવતા બંને આરોપી કાનપુર કાંડમાં સામેલ હતા.

આ કાંડના મુખ્ય આરોપી વિકાસને હજુ પોલીસ નથી પકડી શકી. આશરે 10 રાજ્યોની પોલીસ વિકાસને શોધી રહી છે. એનકાઉન્ટર વાળી જગ્યા પર એડીજી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે.



પ્રભાતને કાનપુરના પનકી વિસ્તારમાં થયેલી અથડામણમાં પોલીસે ઠાર કર્યો હતો. પ્રભાતને ફરીદાબાદથી ધરપકડ કરીને રિમાંડ પર લઈ જવામાં આવતો હતો. આ દરમિયાન તેણે પોલીસના હથિયાર ઝૂંટવીને ભાગવાની કોશિશ કરી અને માર્યો ગયો. પ્રભાતે પોલીસના હથિયાર ઝૂંટવીને ફાયરિંગ કર્યું, જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા. પ્રભાત બિકરુ ગામનો રહેવાસી હતો.



ઈટાવાની સિવિલ લાઇન પોલીસ સ્ટેશન એરિયામાં કેટલાક લોકો ગાડીની લૂંટ કરી હોવાની પોલીસને જાણકારી મળી હતી. એનકાઉન્ટર દરમિયાન એક અપરાધીને ગોળી વાગી અને તેની ઓળખ બહુઆ દુબે તરીકે થઈ હતી. તેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું. તે તેના ત્રણ સાથીઓ સાથે ભાગવાની કોશિશ કરતો હતો. તેની પાસેથી 512 બોરની એક ડબર બેરલ રાઇફલ મળી આવી હતી.