નવી દિલ્લી: કોમેડિયન કપિલ શર્માએ ઓફિસ બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા પર લાંચ માગવાનો આરોપ મૂકીને વિવાદ સર્જ્યો છે. કપિલ શર્માએ પીએમ મોદીને ટ્વિટર પર ટેગ કરીને લખ્યું હતું કે અચ્છે દિન કબ આયેંગે? આખો દિવસ ચર્ચાયેલા આ મામલે હવે કપિલના સૂર બદલાતા દેખાય રહ્યા છે. કપિલનું કહેવું છે કે તેમણે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે, કોઈ પક્ષની વિરોધમાં નહિ.

ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરીને કપિલે લખ્યું હતું કે પાંચ વર્ષથી 15 કરોડનો ટેક્સ ભરે છે પણ બીએમસી વાળા પાંચ લાખની લાંચ માગી રહ્યા છે કેમકે તેઓ ઓફિસ બનાવવા માગે છે. આ છે અચ્છે દિન?

જો કે આ પછી વિવાદ વધતા કપિલે ફરી એક ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. જેમાં લખ્યું છે કે મેં કેટલાક લોકોના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. કોઈ પણ રાજકીય પક્ષ પર આ આરોપ નથી, પછી તે ભાજપ હોય, શિવસેના હોય કે મનસે હોય.

તમને જણાવીએ કે કપિલે લાંત માગવાનો આરોપ લગાવ્યો છે પણ લાંચ લેનાર અધિકારીઓના નામ નથી જણાવ્યા. જે બાદ આ વિવાદની દિશા બદલાઈ છે.

કપિલ શર્માના આરોપમાં બીએમસીએ કહ્યું કે તેઓ એ અધિકારીનું નામ જણાવે જેમણે લાંચ લીધી છે.

સોશિયલ મીડિયામાં આ ટ્વિટ બાદ ઘણા પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. મોદીના સમર્થકો કપિલની આલોચના કરી રહ્યા છે અને મજાક ઉડાવી રહ્યા છે. જ્યારે કપિલના સમર્થકો સહાનૂભૂતિ દર્શાવી રહ્યા છે. અમુક લોકોએ કપિલને પૂછ્યું કે શું આ રાજકારણમાં નસીબ અજમાવવાની ચાલ તો નથી. તો કોઈએ પૂછ્યું કે શું તેઓ નવજોતસિંહ સિદ્ધુની પાર્ટી આવાઝ-એ-પંજાબમાં તો નથી જોડાવવાના

અમુક લોકોએ એમ પણ કહ્યું કે કપિલ અરવિંદ કેજરીવાલની જેમ દરેક વાત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવે છે.

સોશિયલ મીડિયા પર કહેવાતુ રહ્યું કે કપિલ આવું સિદ્ધુના કારણે કરે છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ થોડા સમય પહેલા જ ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

ભાજપ હજી સુધી ભ્રષ્ટાચારનો કોઈ મોટા મામલામાં ફસાઈ નથી. શિવસેના અને ભાજપ મળીને રાજ્ય સરકાર ચલાવી રહી છે. જ્યારે બીએમસીમાં પણ બંને પાર્ટીના સભ્યો શામેલ છે. એવામાં કપિલનો આરોપો પાર્ટી વિરૂદ્ધ મહત્વના સાબિત થઈ શકે છે. મોદી સરકારની છબિને પણ નુક્સાન પહોંચી શકે છે.