કોઝિકોડ: કૉંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલે કહ્યું કે સંસદમાંથી પાસ થયેલો નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાથી કોઈ રાજ્ય ઈનકાર કરી શકે નહીં. કાયદાને લાગુ ન કરવું ગેરબંધારણીય ગણાશે. કપિલ સિબ્બલનું આ નિવેદન પાર્ટી લાઈનથી વિપરીતછે, જ્યારે દેશભરમાં તેમની જ પાર્ટી સીએએનો વિરોધ કરી રહી છે.


પૂર્વ કાયદા અને ન્યાય મંત્રીએ કેરળ સાહિત્ય ઉત્સવના ત્રીજા દિવસે કહ્યું, “જ્યારે સીએએ પાસ થઈ ગયો છે, એવામાં કોઈ પણ રાજ્ય એવું ના કહી શકે કે, તેને અમે લાગુ નહીં કરીએ. તે સંભવ નથી અને ગેરબંધારણીય છે. તમે તેનો વિરોધ કરી શકો છો. વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી શકશો અને કેન્દ્ર સરકાર પાસે કાયદો પરત લેવાની માંગ કરી શકો છો. પરંતુ બંધારણીય રીતે હું લાગું નહી કરું તેમ કહેવું વધુ સમસ્યાઓ પેદા કરી શકે છે.”

ઉલ્લેખનીય છે કે કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ સીએએની સાથે એનઆરસી અને એનપીઆરનો વિરોધ કર્યો છે.