કર્ણાટકના કોલાર જિલ્લાની મેડિકલ કોલેજના 33 જેટલા વિદ્યાર્થીઓ શનિવારે કોવિડ-19  પોઝિટિવ આવ્યા હતા. જિલ્લા સર્વેલન્સ ઓફિસર ડૉ. ચારણીએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું છે કે તેઓ દેશમાં વધી રહેલા ઓમિક્રોન કેસોને ધ્યાનમાં રાખીને બેંગલુરુમાં રવિવારે નિષ્ણાતો સાથે બેઠક કરશે. 



મુખ્યમંત્રીએ કહ્યું  દેશમાં ઓમિક્રોન કેસ સતત વધી રહ્યો છે.  મહારાષ્ટ્ર, કેરળ તેમજ તમિલનાડુમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. બેંગલુરુ પહોંચ્યા પછી, હું તમામ મહત્વપૂર્ણ લોકો સાથે ચર્ચા કરીશ અને નિર્ણય લઈશ. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરાશે. 


નાઇટ કર્ફ્યુ અંગે તેમણે કહ્યું કે તે બેઠકમાં નક્કી કરવામાં આવશે. બૂસ્ટર ડોઝ આપવાની સંભાવના અંગેના પ્રશ્નના જવાબમાં, મુખ્યમંત્રીએ  કહ્યું કે કેન્દ્ર તેના પર નિર્ણય લેશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં અગાઉ જારી કરાયેલ માર્ગદર્શિકા હજુ પણ ચાલુ છે. જો કે, પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, વધુ કડક પગલાં શરૂ કરી શકાય છે. કર્ણાટકમાં 31 ઓમિક્રોન કેસ જોવા મળ્યા છે અને મોટાભાગના ચેપગ્રસ્ત વ્યક્તિઓ એસિમ્પટમેટિક હતા. 


રાજસ્થાનમાં ઓમિક્રોનના 21 નવા કેસ નોંધાતા ખળભળાટ


દેશમાં જીવલેણ કોરોના વાયરસ(Coronavirus)ના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron) હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન(Omicron)ના 21 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન(Rajasthan)માં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે વધીને 43 થઈ ગઈ છે. દેશમાં, 17 રાજ્યોમાં 400 થી વધુ લોકો આ ઓમિક્રોન વેરિઅન્ટથી  સંક્રમિત થયા છે.


ઓમિક્રોનના ખતરાને જોતા દિલ્હી(Delhi) અને મહારાષ્ટ્ર(Maharashtra) સહિત ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં આજથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. નાઇટ કર્ફ્યુનો સમય 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટ વિશે સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેના લક્ષણો દેખાતા નથી. દેશમાં ઓમિક્રોનના 183 કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 70 ટકા સંક્રમિતોએ કોઈ લક્ષણો દર્શાવ્યા ન હતા.


દેશમાં અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી


સૌથી મોટી વાત એ છે કે આ વેરિઅન્ટને કારણે દેશમાં અત્યાર સુધી એક પણ મૃત્યુ નથી થયું. ઓમિક્રોન વેરિઅન્ટ્સના વધતા જતા કેસોની વચ્ચે સરકારે કહ્યું કે અમારે અમારી તકેદારી જાળવવાની જરૂર છે, ખાસ કરીને વર્ષના અંતના તહેવારો દરમિયાન. આ સાથે સરકારે લોકોને ભીડવાળી જગ્યાઓ અને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તન અને વહેલા રસીકરણ પર ભાર મૂક્યો. અત્યાર સુધી ભારતમાં મુખ્ય સ્વરૂપ ડેલ્ટા જ રહ્યું છે.