Karnataka Elections: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાજ્ય એકમના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ ડૉ. પરમેશ્વરજી અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર હતા.


કોંગ્રેસ ઢંઢેરામાં કહ્યું જો રાજ્યમાં પાર્ટી સત્તા પર આવશે તો નફરતના સંગઠનો પર પ્રતિબંધ સહિત કાયદા મુજબ નિર્ણાયક પગલાં લેવામાં આવશે. કોંગ્રેસ પક્ષ જાતિ કે ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે નક્કર અને નિર્ણાયક પગલાં લેવા પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું હતું. અમે માનીએ છીએ કે કાયદો અને બંધારણ પવિત્ર છે. બજરંગ દળ અને પીએફઆઈ જેવા સંગઠનો દ્વારા તેનું ઉલ્લંઘન થઈ શકે નહીં.


મહિલાઓ માટે બસ મુસાફરી મફત


કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે ગૃહ જ્યોતિ યોજના હેઠળ બધાને 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. સાથે જ અન્ન ભાગ્ય યોજના વિશે પણ વાત કરી. એવું કહેવામાં આવ્યું હતું કે આ યોજના હેઠળ બીપીએલ પરિવારના દરેક વ્યક્તિને તેની પસંદગીનું 10 કિલો અનાજ આપવામાં આવશે. આ સાથે, ગુરુ લક્ષ્મી યોજનાને લઈને કહેવામાં આવ્યું હતું કે પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે.


એટલું જ નહીં, મહિલાઓ માટે બસની મુસાફરી મફત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે શક્તિ યોજના હેઠળ તમામ મહિલાઓ માટે નિયમિત KSRTC/BMTC બસોમાં મુસાફરી મફત કરવામાં આવશે. સાથે જ બેરોજગાર યુવાનોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જેમાં તેમણે યુવા નિધિ યોજના હેઠળ બેરોજગાર સ્નાતકોને 2 વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયા અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને 1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.