Shaista Parveen News: યુપીમાં ચર્ચિત અતીક અહેમદ મર્ડર કેસ અને ત્યારબાદની તપાસને લઇને દિવસે દિવસે એક પછી એક મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અને માર્યા ગયેલા ગેન્ગસ્ટર અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન હજુ પણ ફરાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ચાર દિવસ પહેલા પ્રયાગરાજમાં શાઇસ્તા પરવીન પકડવાની ખુબ જ નજીક પહોંચી હતી, પરંતુ 'લેડી ડૉન' લૉકલ પબ્લિકની મદદથી પોલીસની આંખોમાં ધૂળ નાંખવામાં સફળ રહી હતી. 


અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીનને લઇને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે. ઈન્ડિયા ટુડે અનુસાર, પોલીસને પૂરતી માહિતી મળી હતી કે શાઇસ્તા પરવીન પ્રયાગરાજના હતુઆ વિસ્તારમાં છે. સુત્રોએ જણાવ્યું કે, તે અતીકના ભાઈ અશરફ અહેમદના સાસરિયાના ઘરની નજીક દેખાઇ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, જે સમયે STFની ટીમ ત્યાં રેડ કરવા પહોંચી તો તેઓને બુરખા પહેરેલી મહિલાઓએ ટીમે ઘેરી લીધી હતી, આ કારણોસર પોલીસ આગળ વધી શકી નહીં અને આને લાભ લઈને શાઇસ્તા પરવીન ભાગી નીકળી હતી. 


મસ્જિદમાંથી એલાન 
સુત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે લોકોને માહિતી મળી કે, એસટીએફની ટીમ રેડ કરવા અહીં આવી રહી છે, તો ત્યાંની સ્થાનિક મસ્જિદમાંથી જાહેરાત કરીને મહિલાઓને ઘરની બહાર નીકળીને રસ્તા પર એકઠી થવા માટે કહેવામાં આવ્યું હતુ. આ ભીડનો લાભ લઈને શાઇસ્તા પરવીન ભાગી નીકળી હતી. 


કોણે કરી શાઇસ્તા પરવીનની મદદ ?
અગાઉ, યુપી પોલીસે નૈની જેલમાં જઈને અતીકના વકીલ ખાન સુલત હનીફની પુછપરછ કરી હતી, જે ગેન્ગસ્ટરનો ખાસ ભરોસાપાત્ર માણસ છે અને ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હનીફના ઇનપુટના આધારે પોલીસને ખબર પડી કે શાઇસ્તા પરવીન ઉમેશ પાલની હત્યા પહેલા 'લેડી ડૉન' મુંડી પાસીને મળી હતી.


સર્ચ લિસ્ટમાં મુન્ડી પાસીનું નામ 
પોલીસ સુત્રોનું કહેવું છે કે, મુંડી પાસી ખુદ કેટલાય ગુનાહિત કેસોમાં જામીન પર બહાર છે, શાઇસ્તા પરવીનને ભાગવામાં પણ તે ઘણી મોટી મદદ કરી રહી છે, અને તેને ગુપ્ત માહિતી પુરી પાડી રહી છે. પોલીસ કૌશામ્બી બોર્ડર પાસે મુંડી પાસી અને અતીકના ગનર એહતેશામને શોધી રહી છે. શાઇસ્તા પરવીનની સાથે અશરફની પત્ની ઝૈનબ અને બહેન આયેશા નૂરી પણ ફરાર છે.


કેમ ફરાર છે શાઇસ્તા પરવીન ?
પોલીસને શાઇસ્તા પરવીનના અન્ય કેટલાક સાગરિતોના નામ પણ જાણવા મળ્યા છે. તેમાંથી એક ગુડ્ડુ મુસ્લિમનો સહયોગી આસિફ ઉર્ફે મલ્લી છે, જે ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ હતો. 2005ના બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યામાં આરોપી બનાવવામાં આવ્યા બાદ શાઇસ્તા પરવીન ફરાર થઇ ગઇ છે.