બેંગલૂરૂઃ ભાજપ વધુ એક રાજ્યના મુખ્યમંત્રીન બદલી નાંખશે એવા અહેવાલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને રાજીનામું આપવા કહી દેવાયું હોવાના અહેવાલ છે. યેદુરપ્પા સરકારને 26 જુલાઈએ બે વર્ષ પૂરાં થવાનાં છે. યેદુરપ્પાને બે વર્ષ પૂરાં કરીને 26 જુલાઈએ રાજીનામું આપવા કહી દેવાયું હોવાનો ભાજપનાં સૂત્રોનો દાવો છે.
યેદુરપ્પા 16 જુલાઈએ અચાનક દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી છે. ટોચનાં અખબારોમાં છપાયેલા અહેવાલ પ્રમાણે યેદુરપ્પાને મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં ગવર્નર પદની ઓફર કરવામાં આવી હતીય
જો કે યેદુરપ્પાએ વડાપ્રધાન મોદીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તમને મારી કામગીરથી સંતોષ ના હોય તો રાજીનામુ લઈ લો પણ પશ્ચિમ બંગાળમાં કે બીજા કોઈ પણ રાજ્યમાં ગવર્નર બનવાની મારી ઈચ્છા નથી. યેદુરપ્પામની નજીકનાં સૂત્રોન દાવો છે કે, ભાજપ દ્વારા તેમના પુત્ર વિજયેન્દ્રને મુખ્યમંત્રીપદના દાવેદાર જાહેર ન કરાય ત્યાં સુધી યેદુરપ્પા કર્ણાટકના રાજકારણમાંથી નિવૃત થવા માંગતા નથી.
યેદુરપ્પા શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. આ મુલાકાત તેમણ દાવો કર્યો કે, હાલ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો સવાલ પેદા થતો નથી. શુક્રવારે મેં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને અમે રાજ્યના વિકાસ અંગે વિગતે ચર્ચા કરી હતી.
જો કે સૂત્રોનો દાવો છે કે, યેદુરપ્પાની વિદાય નક્કી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હાઈકમાન્ડ તરફથી ભરોસો આપવામાં આવ્યો છે કે તે 26 જુલાઈએ પોતાના 2 વર્ષના શાસનની ઉજવણી કરી શકે છે. યેદુરપ્પાએ કોંગ્રેસ-જેડીએસની સરકારને ગબડાવીને ભાજપની સરકારની રચના કરાવી હતી. યેદુરપ્પા ભાજપના દિગ્ગજ નેતા છે અને કર્ણાટકમાં ભાજપનો વિસ્તાર કરવાનો યશ તેમને અપાય છે. ભાજપ આ કારણે યેદુરપ્પાને અડકતાં લાંબા સમયથી ખચકાય છે પણ હવે અસંતોષ વધી જતાં તેમને ખસેડવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.