મુંબઇઃ મુંબઇમાં ગત મોડી  રાત્રે સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇમાં ભારે વરસાદ બાદ ઠાણે, પાલઘર, રાયગઢ, અંધેરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદના કારણે ચેમ્બૂરમાં દિવાલ ધસી પડી હતી જેમાં 11 લોકોના મોત થયા હતા. તે સિવાય ભરતનગર વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે વિક્રોલીમાં દિવાલ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા.


ઘટનાને જોનારા એક વ્યક્તિએ કહ્યું કે મોડી રાત્રે સાડા 12 વાગ્યે આ ઘટના બની હતી. એક જ વિસ્તારમાં બે સ્થળો પર લેન્ડસ્લાઇડની ઘટના બની છે. અમે લોકોની મદદ કરી હતી. કાટમાળમાં બાળકો પણ દબાયેલા હતા. અમે અનેક લોકોને બચાવ્યા છે.


લેન્ડસ્લાઇડના કારણે દૂર્ઘટના સર્જાઇ હતી. રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. દિવાલના કાટમાળને હટાવવાનો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.મુંબઇના કેટલા વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં કાર અને બાઇક પાણીમાં તણાતા  જોઇ શકાય છે.


મુંબઇના અનેક વિસ્તારોમાં ઘરોમાં  પણ પાણી ઘૂસી ગયું હતું. અંધેરી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાદરમાં બેસ્ટની બસો પાણીમાં ડૂબી ગઇ હતી. કાંદીવલીમાં અનેક દુકાનોમાં પાણી ભરાતા જોઇ શકાતાહતા.  ભારે વરસાદથી રેલવે સેવાઓ પ્રભાવિત થઇ હતી. મુંબઇના સાયન રેલવે ટ્રેક પુરી રીતે પાણીમાં  ડૂબી ગયો હતો. રેલવે ટ્રેક પર ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયું હતું. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂકરી દેવામાં આવ્યું છે.



સાયન વિસ્તારમાં અનેક લોકો વરસાદના પાણીમાં રમતા પણ જોવા મળ્યા હતા. કમર સુધી પાણીમાં કેટલાક બાળકો તરતા હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. હનુમાન નગર વિસ્તારમાં વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતુ જેના કારણે લોકોનો સામાન પણ પલળી ગયો હતો અને લોકો પાણીને બહાર કાઢવા મજબૂર બન્યા હતા.