Karnataka's New Cabinet: કર્ણાટકમાં શનિવારે સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી જ્યારે ડીકે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સિવાય 8 ધારાસભ્યોને રાજ્યપાલે કેબિનેટ મંત્રીના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ સિદ્ધારમૈયાની ટીમ તૈયાર થઈ ગઈ છે. આ ટીમમાં જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જોર્જ, એમબી પાટિલ, સતીશ જારકીહોલી, પ્રિયાંક ખરગે, રામલિંગા રેડ્ડી અને જમીર અહમદ ખાન સામેલ છે. સૌથી યુવા મંત્રી 44 વર્ષના પ્રિયાંક ખડગે છે તો સૌથી મોટુ ઉંમરના મંત્રી 76 વર્ષના કેજે જોર્જ છે. 


કર્ણાટક કૉંગ્રેસના ધારાસભ્ય જી પરમેશ્વર દલિત નેતા છે. તેમણે અગાઉ ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્તિનો આગ્રહ રાખ્યો હતો. પરમેશ્વરએ 13 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. આ વખતે પરમેશ્વરે કોરાટાગેરે મતવિસ્તારમાંથી 14,347 મતોના માર્જિન સાથે ચૂંટણી જીતી હતી. તેમણે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આઠ વર્ષ સુધી સેવા આપી છે.


મંત્રીમંડળનું જાતિ સમીકરણ


જી પરમેશ્વર- SC
કેએચ મુનિયપ્પા- Sc
કેજે જ્યોર્જ- લઘુમતી-ખ્રિસ્તી
એમ.બી.પાટીલ - લિંગાયત
સતીશ જારકીહોલી- ST-વાલ્મીકી
પ્રિયાંક ખડગે - SC
રામલિંગા રેડ્ડી- રેડ્ડી
જમીર અહેમદ ખાન- લઘુમતી-મુસ્લિમ



પ્રિયાંક ખડગે સૌથી યુવા મંત્રી



2016માં પણ સિદ્ધારમૈયાએ પ્રિયાંકને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા હતા અને તેમને આઈટી જેવા મહત્વના વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે તે 38 વર્ષના હતા. પ્રિયાંક ખડગેને ત્રીજી વખત મંત્રીની ખુરશી મળી છે. તેઓ આ સરકારમાં સૌથી યુવા મંત્રી છે. પ્રિયાંક ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. તેઓ કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાની ચિત્તપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા છે.


કેજે જ્યોર્જ સૌથી મોટી ઉંમરના મંત્રી


કેલચંદ્ર જોસેફ જ્યોર્જ કેબિનેટમાં સૌથી મોટી ઉંમરના મંત્રી છે. તેઓ અગાઉ કર્ણાટકના ગૃહમંત્રી હતા. જ્યોર્જ 1968માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેમની રાજકીય કારકિર્દી 1969 માં શરૂ થઈ હતી જ્યારે તેઓ ગોનીકોપ્પલ ટાઉન યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.તેમણે વીરેન્દ્ર પાટીલ સરકાર દરમિયાન રાજ્યના પરિવહન, ખાદ્ય અને નાગરિક પુરવઠાનું પદ પણ સંભાળ્યું હતું. કેબિનેટમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 64 વર્ષ છે.


ડીકે શિવકુમાર સૌથી અમીર મંત્રી છે


સિદ્ધારમૈયા કેબિનેટમાં સામેલ થયેલા ધારાસભ્યોની વાત કરીએ તો  બધા કરોડપતિ છે. ડીકે શિવકુમાર પાસે સૌથી વધુ 1,413 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ડીકે શિવકુમારે પોતાના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની અને તેમના પરિવારની કુલ 1413 કરોડની સંપત્તિ છે. તેમની પાસે રૂ. 273 કરોડની જંગમ સંપત્તિ છે. તેમાંથી 240 કરોડની જંગમ મિલકત એકલા શિવકુમારના નામે છે, જ્યારે લગભગ 20 કરોડની સંપત્તિ તેમની પત્નીના નામે છે.


મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કયા સમાજના છે ?


મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કુરુબા સમાજમાંથી આવે  છે અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વોક્કાલિગા સમાજના છે. મંત્રીપદની સાથે સાથે કોંગ્રેસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદ માટે જ્ઞાતિના સમીકરણો ગોઠવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.


કેબિનેટમાં માત્ર એક મુસ્લિમ મંત્રીને સ્થાન મળ્યું છે


નેતૃત્વનો મુદ્દો ઉકેલ્યા બાદ કોંગ્રેસ માટે આગામી મોટો પડકાર કેબિનેટની રચનાનો હતો. કોંગ્રેસની ટિકિટ પર નવ મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. જેમાંથી પાંચ મંત્રી પદની માંગ કરી રહ્યા હતા.