બેંગ્લુંરુઃ કર્ણાટકમાં આજે 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે, શરૂઆતના ટ્રેન્ડમાં બીજેપી સૌથી આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ અને જેડીએસ પાછળ રહ્યાં છે. કર્ણાટકમાં ફરી એકવાર બીજેપીની જીત દેખાતા જ કોંગ્રેસે પ્રદેશમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી કે શિવકુમારે હારનો સ્વીકાર કરી લીધો છે.

ડી કે શિવકુમારે કહ્યું કે, આપણે આ 15 વિધાનસભા બેઠકોના મતદારોના જનાદેશથી સહમત થવુ પડશે, લોકોએ પક્ષપલટુઓને સ્વીકારી લીધા છે, અમે હાર સ્વીકારી લીધી છે, મને નથી લાગતુ કે અમારે નિરાશ થવુ જોઇએ.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 15 બેઠકોની મતગણતરી ચાલી રહી છે, જેમાં એક યેલ્લાપુર બેઠક પરથી બીજેપી ઉમેદવાર અરાબૈલ શિવરામે જીત નોંધવી દીધી છે, વળી બીજેપી અન્ય 11 બેઠકો પર આગળ ચાલી રહી છે.



કર્ણાટકમાં 5મી ડિસેમ્બરે અઠાણી, કાવાડ, ગોકક, યેલાપુર, હિરેકેરુર, રાનીબેન્નૂર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર.પુરમ યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર.પેટે, હુનસૂર બેઠકો પર મતદાન યોજાયુ હતુ.



બીજેપી પાસે 105 ધારાસભ્યો
કર્ણાટકમાં ધારાસભ્યોના બળવાથી જુલાઈમાં એચડી કુમારસ્વામીની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ હતી અને બીજેપી સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો હતો. વિધાનસભામાં હાલ ભાજપ પાસે 105 (એક અપક્ષ સહિત), કોંગ્રેસ પાસે 66 અને જેડીએસના 34 ધારાસભ્યો હતો. બીએસપીનો પણ એક ધારાસભ્ય છે.