બેંગલુરૂ: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક નહી પહેરનારને દંડ કરવામાં આવે છે. ત્યારે કર્ણાટક સરકાર દ્વારા માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે.


રાજયમાં શહેરી વિસ્તારમાં માસ્ક ન પહેરવા બદલ રૂ.1000 નો દંડ હતો જેને ઘટાડીને રૂ.250 કરી દેવામાં આવ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક ન પહેરવાનો દંડ રૂ.500 માંથી ઘટાડીને રૂ.100 કરવામાં આવ્યો છે. દેશના ઘણા રાજયોમાં માસ્ક ન પહેરવાનો દંડ 1000 રૂપિયા લેવામાં આવે છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ કે લોકોની લાગણી અને નિષણાંતોના અભિપ્રાય બાદ અમે માસ્કનો દંડ ઘટાડયો છે અને અમે ઇચ્છીએ છીએ કે લોકો પાસેથી એકપણ રૂપિયાનો દંડ લીધા વગર જ લોકો માસ્ક પહેરવાની ચીંતા કરે અને સરકારને દંડની વસુલાતમાં રસ નથી. પરંતુ લોકોના આરોગ્યની ચિંતા છે અને તેથી લોકોને રાહત થાય તે માટે દંડની રકમ ઘટાડવામાં આવી છે. સુધારેલા દંડની તાત્કાલિક અમલવારી કરવામાં આવશે.