Karnataka Government Formation: કર્ણાટકમાં મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈને કોંગ્રેસમાં ઉચ્ચસ્તરે મંથન ચાલી રહ્યું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણ્યા બાદ ત્રણેય નિરીક્ષકો સોમવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મહત્વની બેઠક યોજાઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદની રેસમાં આગળ ચાલી રહ્યા છે. તેવામાં ડીકે શિવકુમારના એક દાવે સૌકોઈને ચોંકાવી દીધા છે.
ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાને અભિનંદન પાઠવ્યા છે. શિવકુમારે પેટમાં ઈન્ફેક્શન હોવાનું કારણ આગળ ધરી આજે સોમવારે દિલ્હીની સૂચિત યાત્રા રદ કરી દીધી હતી. જ્યારે બીજી બાજુ સિદ્ધારમૈયા દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ટૂંક સમયમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને મળવાની આશા છે.
પેટના ઈન્ફેક્શનને કારણે દિલ્હી નહીં જવ
શિવકુમારે કહ્યું હતું કે, મને પેટમાં ઈન્ફેક્શન છે તેથી હું આજે દિલ્હી નથી જઈ રહ્યો. કોંગ્રેસના 135 ધારાસભ્યો છે. મારી પાસે કોઈ ધારાસભ્ય નથી. મેં નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. તેમણે કહ્યું હતું કે, હું બળવો નથી કરતો કે નથી બ્લેકમેલ કરતો. હું બાળક નથી. મારી પોતાની દ્રષ્ટિ છે, વફાદારી છે. આમ આદકતરી રીતે તેમણે ડીકે શિવકુમારે મુખ્યમંત્રી પદની રેસમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાની અટકળો તેજ બની છે.
સુપરવાઈઝરોએ મલ્લિકાર્જુન ખડગેને રિપોર્ટ સોંપ્યો
કોંગ્રેસ દ્વારા તૈનાત નિરીક્ષકોએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાય લીધા બાદ સોમવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગે હવે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સલાહ લેશે. કર્ણાટકના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત આગામી 24 કલાકમાં કરવામાં આવશે.
Karnataka : કર્ણાટકના રાજકારણમાં ગરમાવો, ડીકે શિવકુમારનો દિલ્હી પ્રવાસ અચાનક રદ્દ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીના નામને લઈને રાજકીય ઉઠાપટક ચાલી રહી છે. આ દરમિયાન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને મુખ્યમંત્રીની રેસનો મુખ્ય ચહેરો ગણાતા ડીકે શિવકુમારનો દિલ્હી પ્રવાસ અચાનક જ રદ્દ થતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આ સાથે જ તેમણે રાજ્યમાં કોંગ્રેસની જીતને લઈને મોટો દાવો પણ કર્યો છે.