કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થઈ ગયો. હવે 10 મેના રોજ મતદાન થવાનું છે. તે પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ પાઠવી છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીનું 'સાર્વભૌમત્વ' નિવેદન કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ મામલે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.






હવે ચૂંટણી પંચે ખડગે પાસેથી ખુલાસો માંગ્યો છે અથવા તેને સુધારવા માટે કહ્યું છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા શપથનું ઉલ્લંઘન છે. ECIએ ખડગેને કર્ણાટક રાજ્યના સંદર્ભમાં 'સાર્વભૌમત્વ' શબ્દનો ઉલ્લેખ કરતી સોશિયલ મીડિયા પોસ્ટની સ્પષ્ટતા કરવા અને તેને સુધારવા માટે કહ્યું છે.


ભાજપના નેતાઓએ ટ્વિટ કરીને ફરિયાદ કરી હતી


8 મે, 2023ના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભૂપેન્દ્ર યાદવ, ડૉ. જીતેન્દ્ર સિંહ,, અનિલ બલુની અને ઓમ પાઠકે ટ્વીટ કરીને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી 6 મે, 2023ના રોજ રાત્રે 9:46 વાગ્યે કરવામાં આવેલી ટ્વિટ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.


ભાજપે ફરિયાદમાં આ આક્ષેપો કર્યા


કર્ણાટક દેશનું એક ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે અને ભારતીય સંઘના સભ્ય રાજ્યની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટેનો કોઈ પણ કૉલ એ અલગતાનો કૉલ છે અને તે ખતરનાક અને નુકસાનકારક પરિણામોથી ભરપૂર છે. વધુમાં, ભાજપની ફરિયાદ મુજબ, ઉપરોક્ત ટ્વીટ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A(5) હેઠળ રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા ફરજિયાત શપથનું ઉલ્લંઘન કરે છે.


તાજેતરમાં ભાજપે કોંગ્રેસની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જે બાદ કોંગ્રેસે પણ ભાજપના અખબારોમાં આપવામાં આવેલી જાહેરાતને લઈને ECIને ફરિયાદ કરી છે. કોંગ્રેસની ફરિયાદ પર ECIએ કાર્યવાહી કરી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષને નોટિસ ફટકારી છે.


કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ 8 મે, 2023ના રોજ ECIને ફરિયાદ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે 8 મે, 2023 ના રોજ એક અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરી છે, જેમાં વિવિધ દાવા કરવામાં આવ્યા છે, જે કોંગ્રેસ પાર્ટીએ પાયાવિહોણા હોવાનો આક્ષેપ કર્યો છે.