માતા પિતાએ સંતાન પ્રાપ્તી માટે ભગવાન શિવની આરાધના કરે છે અને જન્મે છે પુત્ર રત્ન. આ પુત્ર રત્ન બીજુ કોઈ નહીં પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી અપાવનાર પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર.  શિવ અને બજરંગબલી આ બન્ને નામો કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ ગાજયા અને આ બન્ને નામો સાથે ડીકે શિવકુમારને આજે જોડવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસને મળેલી જીતનો શ્રેય પક્ષના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને આપવામાં આવી રહ્યો છે. ભગવાન શિવની આરાધના બાદ માતા-પિતાએ શિવકુમાર નામ રાખ્યું તો બીજી તરફ સતત નબળો દેખાવ કરતી કોંગ્રેસ માટે તેઓ આજે ખરા સંકટમોચક સાબીત થયા છે.




પાંચ દાયકાથી પણ વધારેની રાજકીય કારર્કિદી ધરાવતા ડીકે શિવકુમાર કર્નાટકના દિગ્ગજ નેતા હોવાની સાથે આજે દેશભરના કોંગ્રેસી કાર્યકરોના હિરો સાબીત થયા છે. સંજોગ તો જુઓ જેમનો જન્મ શિવના આર્શીવાદથી થયો અને જેમનું નામ શિવકુમાર રખાયું તેમના રાજકીય જીવનની પહેલી ચૂંટણીમાં હાર પણ પ્રખર શિવભક્ત એવા એચ ડી દેવગૌડા સામે મળી.   1985માં  જ્યારે કોંગ્રેસે આ નવયુવાન નેતાને કર્ણાટકના મોટાગજાના નેતા  એચ ડી દેવગૌડા સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે કોઈ તેમને ઓળખ તુ પણ નહોતું પરંતુ હાર બાદ પણ દિલ્હીનું મોવડીમંડળ પણ તેમના નામથી જાણીતુ બની ગયું.  1985 થી 2023 વચ્ચે ડીકે શિવકુમારે પોતાની કારર્કિદીમાં અનેક  ચઢાવ-ઉતાર

જોયા છે.  વિરોધ પક્ષ અને પાર્ટીમાં અનેક રાજકીય તોફાનોનો સામનો કરવા છતાં તેઓ કયારેય ઝુક્યાં નહીં અને તમામ મોરચે મજબૂતી સાથે લડીને બહાર આવ્યા છે.


 


માતા-પિતાએ સંતાન પ્રાપ્તી માટે શિવની આરાધના કરીને અને પુત્ર રત્ન પ્રાપ્ત થતા તેમનું નામ શિવકુમાર રાખ્યુ હતું.  શિવકુમાર ખરા અર્થમાં કોંગ્રેસના સંકટમોચક સાબીત થયા છે. કર્ણાટકમાં  મળેલી સફળતા બાદ હવે કોંગ્રેસ તેનો કેટલો ફાયદો અન્ય રાજયોની ચૂંટણીમાં લઈ શકે છે તે મહત્વપૂર્ણ છે. ડીકે શિવકુમારની શકિતનો પરચો ગુજરાતે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા જોઈ લીધો છે.  માર્ચ મહિનામાં યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા માટે ખુદ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સહિતના અનેક કોંગ્રેસી નેતાઓ મેદાનમાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે બેંગ્લોરના રિસોર્ટમાં આ ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. આ તમામ ધારાસભ્યોને સાચવવાની જવાબદારી કોંગ્રેસ હાઈકમાન્ડે  ડીકે શિવકુમારને સોંપી હતી. તેમણે આ જવાબદારીને ખૂબ જ બખુબી રીતે નિભાવી હતી. વર્ષ 2019માં મની લોન્ડરીંગ અને ટેકસ ચોરીના કેસમાં તેમણે ચાર મહિનાનો જેલવાસ પણ ભોગવ્યો હતો. આ તમામ વચ્ચે ડીકે શિવકુમાર હિંમત હાર્યા વગર કોંગ્રેસની જીતનો પાયો નાંખવામાં સતત કામ કરી રહ્યા હતા.  ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની સાથે ફરીને પક્ષના તમામ નેતા અને કાર્યકરોમાં નવા પ્રાણ ફુંકયા હતા.




કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની વિદય પછી કોંગ્રેસમાં તમામ મોરચે પોતાની શકિતનો પરચો આપી શકે તેવા નેતાની ખોટ હતી. આ કમીને હવે કોંગ્રેસી નેતા અને કાર્યકરો ડીકે શિવકુમારના રુપમાં જોઈ રહ્યા છે. હવે રસપ્રદ એ રહેશે કે કોંગ્રેસના શિવ અને સંકટમોચક એવા ડીકે શિવકુમારને મુખ્યમંત્રીનો તાજ આપે છે કે પછી 2024ની લોકસભાની ચૂંટણી માટે તેમનો ઉપયોગ કેન્દ્રની રાજનીતિ માટે કરે છે.