Karnataka Elections 2023: કર્ણાટકમાં થોડા દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે જેના માટે મેગા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીએ 8 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે, જેમાં ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ABP CVoterના ઓપિનિયન પોલ મુજબ ભાજપ જીતે તેવી શક્યતા નથી. જેથી કરીને પીએમ મોદીના ચહેરાને આગળ વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ ભાજપની આ યોજના પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીને સમર્થન આપવા માટે અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સીએમ હિમંતા બિસ્વા સરમા અને બીએસ યેદિયુરપ્પા માટે વધુને વધુ રેલીઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.



પીએમ મોદીની રેલીઓ

પીએમ મોદી 20 થી વધુ સભાઓ અને રોડ શો કરશે. પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર પીએમ મોદી 9 એપ્રિલે બાંદીપુર આવ્યા હતા. પીએમ મોદી ટાઈગર સેન્સસ-2022ના આંકડા જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં દેશમાં 3 હજાર 1067 વાઘ છે. ત્યાર બાદ પીએમ મોદીએ મૈસૂર અને ચામરાજ નગરની પણ મુલાકાત લીધી હતી.

અમિત શાહનો ગેમ પ્લાન

કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ રાજ્યમાં ધામા નાખવાની તૈયારી કરી રહ્યા છે. આ દિવસ દરમિયાન શાહ રેલીઓ અને રોડ શો દ્વારા પાર્ટી માટે પ્રચાર કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, અમિત શાહ 25 થી વધુ સભાઓ અને રોડ શો કરશે. અગાઉ ગુરુવારે (23 માર્ચ) રાત્રે, શાહ કર્ણાટક પ્રવાસ માટે રવાના થયા હતા અને શુક્રવારે (24 માર્ચ) સવારે બીએસ યેદિયુરપ્પાના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. આ સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની અને સીએમ હિમંતા બિસ્વા સરમા પણ 25 થી વધુ મીટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, જેપી નડ્ડાએ 1 માર્ચે ચામરાજનગરની મહાડેશ્વર પહાડીઓથી વિશેષ રીતે તૈયાર રથને ઝંડી બતાવીને આ 20 દિવસની યાત્રાની શરૂઆત કરી હતી.

બીએસ યેદિયુરપ્પાની જવાબદારી

ભાજપે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને લિંગાયત સમુદાયને સાધવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપીનું માનવું છે કે, અત્યાર સુધી કર્ણાટકના 17% લિંગાયત સમુદાય યેદિયુરપ્પાના નેતૃત્વમાં પાર્ટી સાથે છે, જે આ ચૂંટણીમાં પણ સમર્થન કરશે. કર્ણાટકની ભાજપ સરકારે લિંગાયત સમુદાયની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓ મંજૂર કરી છે. તાજેતરમાં ભાજપે છેલ્લી કેબિનેટ બેઠકમાં મુસ્લિમ ઓબીસી માટે 4% અનામત નાબૂદ કરી હતી, જેમાં 2% લિંગાયત સમુદાયમાં અને 2% વોક્કાલિગાસમાં વહેંચવામાં આવી હતી. ભાજપનું માનવું છે કે, તેનો સીધો ફાયદો વિધાનસભા ચૂંટણીમાં મળશે.