Karnataka Assembly Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોમાં કોંગ્રેસની જંગી જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે ? આ સંદર્ભે  રવિવારે (14 મે) ના રોજ ધારાસભ્ય પક્ષના નિરીક્ષકો દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. તેમણે પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવારના માર્ગદર્શન અને સમર્થન માટે આભાર માનતો ઠરાવ પસાર કર્યો. વરિષ્ઠ નેતાઓ સુશીલ કુમાર શિંદે, જીતેન્દ્ર સિંહ અને દીપક બાબરિયાને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ (CLP)ના નેતાની પસંદગી કરવા નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


સીએમની રેસમાં બે નામ સૌથી આગળ છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ધારાસભ્યોએ ચૂંટણી પરિણામોને ઐતિહાસિક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે કર્ણાટકે લોકશાહી અને બંધારણની રક્ષા માટે એક દીપ પ્રગટાવવાનું કામ કર્યું છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રશંસા અને આભાર વ્યક્ત કરે છે. તેમણે ચૂંટણીમાં વ્યાપક અને અથાક પ્રચાર કર્યો હતો તેમજ ચૂંટણી માટે દૂરંદેશી સલાહ પણ આપી હતી.


સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર


કોંગ્રેસ વિધાનસભા પક્ષે સર્વસંમતિથી સોનિયા ગાંધીનો પક્ષના મજબૂત આધારસ્તંભ અને તાકાત હોવા બદલ અને કર્ણાટક ચૂંટણીમાં તેમના માર્ગદર્શન અને પ્રચાર માટે આભાર માન્યો હતો. સાથે જ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ આભાર માન્યો છે.


કર્ણાટકમાં શપથ ગ્રહણની તારીખ આવી સામે


કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દરેકના મનમાં એક જ સવાલ સળગી રહ્યો છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે? કોંગ્રેસની જંગી જીતે નેતાઓમાં ઉત્સાહ ભરવાનું કામ કર્યું છે, પરંતુ સત્તા કોના હાથમાં રહેશે તે હજુ નક્કી થયું નથી. આ બધાની વચ્ચે સૂત્રોના હવાલાથી સમાચાર છે કે પાર્ટીએ શપથગ્રહણનો દિવસ અને તારીખ નક્કી કરી લીધી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (18 મે) નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. આ બધું નક્કી થયા બાદ પાર્ટી સમક્ષ સૌથી મોટો મુદ્દો એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે?