Karnataka Election Results Updates : કર્ણાટકમાં 1985થી જે સિલસિલો ચાલ્યો આવતો ઘટનાક્રમ ફરી એકવાર યથાવત રહેવા જઈ રહ્યોછે. 1985થી આજ સુધી કર્ણાટકમાં કોઈ શાસક પક્ષ ફરીથી સત્તા પ્રાપ્ત કરી શક્યો નથી. આજે સામે આવી રહેલા ચૂંટણી પરિણામોથી પણ સ્પષ્ટ થાય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસની પૂર્ણ બહુમતી સાથે સરકાર બનવા જઈ રહી છે. ભાજપને આશા હતી કે, આ વર્ષે 38 વર્ષનો ઈતિહાસ બદલાઈ જશે. પરંતુ કર્ણાટકના પરિણામોએ તેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
કર્ણાટક વિધાનસભામાં 224 વિધાનસભા બેઠકો છે અને એક પક્ષને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે 113 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરવો પડશે. ગત વિધાનસભા ચૂંટણી એટલે કે, વર્ષ 2018ના પરિણામો આવ્યા ત્યારે વિધાનસભાનું ચિત્ર સાવ અલગ હતું. તે સમયે ભારતીય જનતા પાર્ટી 104 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી હતી. સવાલ એ થાય છે કે, આ વખતે ભાજપ ક્યાં ચૂકી ગયો? કર્ણાટકમાં પાર્ટીની આ હારનું મુખ્ય કારણ શું છે?
1. ભ્રષ્ટાચાર - ભાજપ તેનો ઈલાજ શોધી ના શક્યો
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો હતો. પ્રચાર દરમિયાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો કર્યા હતા. પાર્ટીએ પણ ભાજપને નિશાન બનાવીને '40 ટકા સરકાર'નું અભિયાન ચલાવ્યું. તો બીજી તરફ ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ બેકફૂટ પર રહ્યું. પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજ્યમાં દરેક જગ્યાએ કૌભાંડો છે. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર 8 કરોડ સાથે પકડાયો છે, જ્યારે બીજેપી ધારાસભ્યનું કહેવું છે કે મુખ્યમંત્રીની ખુરશી 2500 કરોડ રૂપિયામાં ખરીદી શકાય છે.
https://www.youtube.com/live/nyd-xznCpJc?feature=share
આ મુદ્દાને ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કર્ણાટકમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની 6 વર્ષના બાળકને પણ ખબર છે. છેલ્લા 3 વર્ષથી અહીં ભાજપની સરકાર છે અને પીએમ મોદી પણ કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિશે જાણતા હશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર કૌભાંડ, 40% કમિશન કૌભાંડ, કોન્ટ્રાક્ટ શાળાઓના નામે કૌભાંડ જેવા મુદ્દાઓને પણ કોંગ્રેસે રોકડી કરી હતી.
2. બજરંગ બલીનો મુદ્દો ન ચાલ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી વતી પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે પ્રચાર દરમિયાન ભગવાન બજરંગ બલીના અપમાનને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. વડાપ્રધાન મોદી દરરોજ સરેરાશ ત્રણથી ચાર ચૂંટણી સભાઓ કરતા હતા અને આ દરમિયાન પાર્ટીનો મુખ્ય મુદ્દો બજરંગ બલીની આસપાસ જ રહેતો હતો. જો કે, પરિણામોના વલણને જોતા સ્પષ્ટ છે કે ભાજપના બજરંગ બલી મુદ્દાએ કર્ણાટકની જનતા પર વધુ અસર કરી નથી.
આનું એક કારણ એ છે કે, કર્ણાટક હંમેશા હિન્દુત્વના મુદ્દાને નકારતું આવ્યું છે અને ભ્રષ્ટાચાર, રોજગાર અને ગરીબી જેવા મુદ્દાઓ પર વાત કરતી પાર્ટીને સત્તામાં આવવાની તક આપતું રહ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 18 ટકા વસ્તી લિંગાયત સમુદાયની છે અને આ સમુદાયો મંદિરમાં નથી જતા, પૂજા કરતા નથી. તેઓ માને છે કે શરીર જ મંદિર છે.
3. પ્રચાર માટે પ્રાદેશિક નેતાઓને બદલે કેન્દ્રીય નેતાઓની પસંદગી
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત 40 લોકોના નામ સામેલ છે. ભારતીય જનતા પાર્ટી માટે વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન બસવરાજ બોમાઈ અને પ્રદેશ નેતાઓને બદલે કેન્દ્રીય નેતાઓની ચૂંટણી પ્રચારની આગેવાની લેવાથી નુકસાનનો સોદો થયો હતો.
4. મોંઘવારી અને બેરોજગારીનો પરાજય
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી યોજાવવાની છે તે રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં મતદારોમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો હોવાનું સામે આવ્યું હતું. NDTV અને Lokniti-CSDS દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 28 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે, લોકો બેરોજગારીથી ચિંતિત છે અને આ વખતે આ સૌથી મોટો મુદ્દો છે.
બીજી તરફ કોંગ્રેસે તેના ચૂંટણી પ્રચાર દરમિયાન બેરોજગારી અને મોંઘવારીનો મહત્વના મુદ્દાઓમાં સમાવેશ કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા પાંચ વચનો આપવામાં આવ્યા હતા. જેમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા, 200 યુનિટ સુધી મફત વીજળી આપવા, 10 કિલો અનાજ મફત આપવા, બેરોજગારી ભથ્થું અને પરિવારની મહિલા વડાને આર્થિક મદદ કરવાની વાત કરવામાં આવી હતી.
5. બુરખા-હિજાબનો મુદ્દો ન ચાલ્યો
કર્ણાટકમાં ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપ સરકારે શૈક્ષણિક કેમ્પસમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આ પગલાને લઈને રાજ્યમાં વ્યાપક દેખાવો થયા હતા. બીજી તરફ ચૂંટણી નજીક આવી છે ત્યારે ભાજપ હિજાબ અને હલાલના મુદ્દાથી સંપૂર્ણપણે દૂર હટી ગયું. પાર્ટીએ પ્રચાર દરમિયાન ક્યાંય હિજાબ કે હલાલનો ઉલ્લેખ કર્યો નહીં. કારણ કે હિજાબ જેવા મુદ્દાઓથી પક્ષને જ નુકસાન થશે તેવું ભાજપે પહેલેથી જ સ્વીકારી લીધું હોય તેમ લાગતુ હતું.
6. ટીકીટ આપવામાં ભારે માથાકુટ
ભાજપમાં ટીકીટની વહેંચણીને લઈને ભારે માથાકૂટ થઈ હતી. બીજેપીએ પૂર્વ સીએમ અને બીજેપી નેતા જગદીશ શેટ્ટરને ટિકિટ આપી ન હતી, જે બાદ તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. જગદીશ ઉપરાંત અનેક નારાજ નેતાઓએ પણ આવું પગલું ભર્યું હતું. પાર્ટીના આ પગલાને કારણે જગદીશ શેટ્ટર સહિત અનેક નેતાઓની ટિકિટ કપાઈ હતી. બોલાચાલી થઈ હતી અને તેના કારણે કાર્યકરોમાં પણ મૂંઝવણ સર્જાઈ હતી.