Karnataka Election Voting Live: આજે કર્ણાટકમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે, મતદાનની વચ્ચે હવામાનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજનુ અપડેટ આપતા કહ્યું છે કે, મતદાન પ્રક્રિયાને આજે વરસાદ અસર પહોંચાડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના જુદાજુદા ભાગોમાં ગાજવીજ, અને ભારે પવન સાથે ભારે વરસાદની પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત બુધવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં 64.5 મીમીથી 115.5 મીમી સુધી જુદાજુદા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે.


બીજીબાજુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ સબડિવિઝનના શિમોગા, હસન, કોડાગુ અને ચિકમંગલુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને છે, આ કારણે અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે પોતાની એડવાઇઝરીમાં ભલામણ કરી છે કે નાગરિકોએ હવામાનની પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખીને સતર્ક રહેવુ જોઇએ. ખાસ કરીને બહાર નીકળતી વખતે. IMD એ બુધવારે બેંગલુરુમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કેટલાક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આજે કર્ણાટકની 224 વિધાનસભા સીટો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાઇ રહ્યું છે. 
 
5.3 કરોડથી વધુ મતદારો કરશે મતદાન - 
આજે રાજ્યભરના 58,545 મતદાન મથકો પર કુલ 5,31,33,054 મતદારો મતદાન કરશે. કર્ણાટકની લડાઈમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને જેડી(એસ) છે. સરકાર બનાવવા માટે બહુમતી માટે 113 બેઠકો છે. કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદીમાં લગભગ 42.5 લાખ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે. 37,777 સ્થળોએ સ્થાપિત 58,545 મતદાન મથકો પર 5.3 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાર યાદીમાં 11.7 લાખ યુવા મતદારો, 12.2 લાખ વરિષ્ઠ નાગરિક મતદારો કે જેઓ 80 વર્ષ કે તેથી વધુ છે અને 5.7 લાખ વિકલાંગ વ્યક્તિઓ (PwD) મતદારોનો સમાવેશ થાય છે. લગભગ 4 લાખ મતદાન કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં સામેલ છે.