Karnataka Election Voting Live: કર્ણાટક ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?

224 સભ્યોની વિધાનસભા માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે

gujarati.abplive.com Last Updated: 10 May 2023 05:53 PM
5 વાગ્યા સુધી મતદાનનો આંકડો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 65.69% મતદાન નોંધાયું છે.

કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છે - સુરજેવાલા

કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે અમે અમારા વોર-રૂમમાંથી સતત તમામ મતવિસ્તારોનો પ્રતિસાદ લઈ રહ્યા છીએ. જબરજસ્ત પ્રતિસાદ એ છે કે કોંગ્રેસ પક્ષની 5 ગેરંટીઓએ મતદારોને ઉત્સાહિત કર્યા છે અને તેઓ કોંગ્રેસના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છે. અમે દરેક ઉમેદવારને પોતપોતાની બેઠકો પર વધુ મતદારો એકત્રિત કરવા અને ઓછામાં ઓછા 80% મતદાનની ખાતરી કરવા જણાવ્યું છે.

ત્રણ વાગ્યા સુધીમાં કેટલું મતદાન

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધી 52.03 ટકા મતદાન થયું છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મત આપ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના કલબુર્ગીમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમના પત્ની પણ તેમની સાથે જોવા મળ્યા હતા. ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે.

એચડી કુમારસ્વામીનો ભાજપ પર પ્રહાર

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ મતદાન બાદ કહ્યું હતું કે  તેઓએ (ભાજપ) દરેક મતવિસ્તારમાં કેટલી રકમનું રોકાણ કર્યું છે? દરેક વ્યક્તિ આ બધી બાબતો જાણે છે. માત્ર ભાજપ જ નહીં, હું દરેક પક્ષને દોષી ઠેરવીશ, જ્યારે પણ આપણે નિષ્પક્ષ ચૂંટણીની વાત કરીએ છીએ, પરંતુ તેની જાહેરાત માત્ર કાગળોમાં જ થાય છે, વાસ્તવિકતા અલગ છે.


 









આખા પરિવાર સાથે યેદિયુરપ્પાની તસવીર

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ તેમના સમગ્ર પરિવાર સાથે પોતાનો મત આપ્યો હતો. આ પછી કર્ણાટક બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી તેમના આખા પરિવારની તસવીર પોસ્ટ કરવામાં આવી છે

ડીકે શિવકુમારે કહ્યું- ગેસ સિલિન્ડરની કિંમત જોઈને મત આપો

કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે મંદિરમાં પૂજા કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ગત વખતે મોદીજીએ તમામ મતદારોને કહ્યું હતું કે મતદાન કરતા પહેલા તમે ગેસ સિલિન્ડર જુઓ. આ વખતે હું કહીશ કે તમે ગેસ સિલિન્ડરની કિંમત જોઇને મતદાન કરો

બસવરાજ બોમ્મઇએ આપ્યો મત 

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ શિગાંવમાં મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા તેમણે હનુમાન મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી









કર્ણાટકના વિકાસ માટે મત આપો: બસવરાજ બોમ્મઇ

કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે "અમારી પાર્ટીએ જે રીતે પ્રચાર કર્યો, જે રીતે લોકોએ પ્રતિસાદ આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું. હું લોકોને કર્ણાટકના વિકાસ માટે  વોટ આપવા અપીલ કરું છું





યેદિયુરપ્પાએ મતદાન કર્યા બાદ કહ્યુ- સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું

કર્ણાટકના પૂર્વ સીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ મતદાન કર્યું હતું. કહ્યું હતું કે "વિજયેન્દ્રને અહીં 40,000 થી વધુ વોટ મળવાના છે, અમે સંપૂર્ણ બહુમતી મેળવીશું અને સરકાર બનાવીશું, તેમાં કોઈ શંકા નથી. લોકોનો પ્રતિસાદ ખૂબ સારો છે

બીએસ યેદિયુરપ્પાએ કર્યું મતદાન

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ શિકારીપુરાના શિવમોગામાં મતદાન કર્યું હતું.  તેમની સાથે તેમનો પુત્ર વિજયેન્દ્ર અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા.


 













કર્ણાટકના ગૃહમંત્રીએ મતદાન કર્યું

કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્ર અને તેમના પરિવારે તીર્થહલ્લી ખાતે મતદાન કર્યું હતું. 





કન્નડ અભિનેત્રી અમૂલ્યાએ પોતાનો મત આપ્યો

કર્ણાટક ચૂંટણીમાં સેલિબ્રિટીઓ પણ પોતાનો મત આપી રહ્યા છે. કન્નડ અભિનેત્રી અમૂલ્યાએ તેના પતિ સાથે બેંગલુરુના આરઆર નગર મતદાન મથક પર મતદાન કર્યું.





નાણામંત્રી નિર્મલા સીતારમણ મતદાન કરવા પહોંચ્યા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મતદાન કરવા પહોંચ્યા છે. બીજેપીના અન્ય નેતાઓ પણ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે





યેદિયુરપ્પા મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા મતદાન કરતા પહેલા શિકારીપુરના મંદિર પહોંચ્યા હતા. આ વખતે તેમના પુત્ર વિજયેન્દ્રને તેમની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.





અભિનેતા પ્રકાશ રાજ મતદાન કરવા પહોંચ્યા

સાઉથના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ મતદાન કરવા બેંગલુરુના શાંતિ નગર પહોંચ્યા હતા. વોટિંગ શરૂ થતાં જ પ્રકાશ રાજ પોતાનો મત  આપવા પહોંચી ગયા હતા.





કર્ણાટકમાં 58,545 મતદાન મથકો છે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરતા પહેલા કેટલાક આંકડાઓ જાણી લો. કર્ણાટકમાં 58,545 મતદાન મથકો છે, જેમાં કુલ 5,31,33,054 મતદારો તેમના મતનો ઉપયોગ કરશે.

મતદાન પહેલા પોલિંગ બૂથની તસવીરો સામે આવી

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થાય તે પહેલા જ અલગ-અલગ પોલિંગ બૂથ પરથી તૈયારીઓની તસવીરો સામે આવી રહી છે. જ્યાં મતદાન અધિકારીઓ  તપાસ કરી રહ્યા છે.





બ્રેકગ્રાઉન્ડ

Karnataka Election Voting Live:  કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ટૂંક સમયમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થશે. 224 સભ્યોની વિધાનસભા માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે અને પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુક્ત, નિષ્પક્ષ ચૂંટણી માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં રાજ્યની ત્રણેય મોટી પાર્ટીઓ - ભાજપ, કોંગ્રેસ, જેડીએસ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.


પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને ઘણા દિગ્ગજોએ રાજ્યમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરાને  તોડવા અને ભાજપને સત્તામાં રાખવા માટે રેલીઓ યોજી હતી. પીએમ મોદીએ એકલાએ દોઢ ડઝન જેટલી જાહેર સભાઓ અને અડધો ડઝનથી વધુ રોડ શો કર્યા. જ્યારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ તરીકે ખડગે માટે પણ આ એક મોટી કસોટી છે કારણ કે તેઓ કર્ણાટકથી આવે છે.


બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી છે?


પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે પણ પ્રચારમાં કોઈ કસર છોડી નથી. બીજી તરફ જનતા દળ (સેક્યુલર)એ પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો છે. ભાજપે 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યારે કોંગ્રેસે પણ બહુમતી સાથે સત્તામાં વાપસી કરવાનો દાવો કર્યો છે. વિધાનસભામાં કુલ 224 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 113 બેઠકો મેળવવી જરૂરી છે.


કર્ણાટક ચૂંટણીના મોટા ચહેરા


કર્ણાટક ચૂંટણીના મોટા ઉમેદવારોમાં પહેલું નામ રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપી નેતા બસવરાજ બોમ્મઈનું છે, જેઓ શિગગાંવ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વરુણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી રામનગર જિલ્લાના ચનાપટના મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે.


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર ભાજપના પૂર્વ નેતા અને પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડ (મધ્ય) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર શિકારપુરા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે ચિત્તપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.