નવી દિલ્હીઃ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા દેશવ્યાપી લૉકડાઉન બાદ હવે અનલૉક-1.0 અંતર્ગત દેશમાં ફરીથી સામાન્ય સ્થિતિ લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ સિલસિલામાં કર્ણાટકા સરકારે રાજ્યના લોકોને રાહત આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હવે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બસ અને કેબના સંચાલનની પરવાનગી આપી દીધી છે.


કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી અનલૉક 1.0 માટે જાહેર કરાયેલા નિર્દેશો અંતર્ગત રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દેશભરમાં કર્ફ્યૂ રહેશે. આ પહેલા ચોથા તબક્કાના લૉકડાઉન સુધી આ સીમા સાંજે 7 વાગ્યા સુધી સવારે 7 વાગ્યા સુધીની હતી.

કર્ણાટકા સરકારે હવે રાત્રીના સમયે આ પાબંદીમાં સાર્વજનિક પરિવહનની છુટ આપી છે. આ કલાકો દરમિયાન રાજ્યમાં બસો દોડશે. જોકે આ પરવાનગી માત્ર રાજ્ય સરકારની બસોને જ હશે.

વળી, આ દરમિયાન પિકઅપ પૉઇન્ટ કે બસ સ્ટેન્ડ પરથી યાત્રીઓને લાવવા માટે ઓટો, ટેક્સી અને કેબ ચલાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના મુખ્ય સચિવ ટીએમ વિજય ભાસ્કરે એક આદેશમાં કહ્યું કે રાજ્ય પરિવહન નિગમ (બીએમટીસી, કેએસઆરટીસી, એનઇકેઆરટીસી અને એનડબલ્યૂકેઆરટીસી)ની બસોને રાત્રે કર્ફ્યૂ દરમિયાન રાતના નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી સંચાલનની અનુમતિ આપવામાં આવી છે.