Karnataka New CM updates:  ચાર દિવસના મંથન બાદ કોંગ્રેસે કર્ણાટકના સીએમનું નામ ફાઈનલ કરી દીધું છે. પાર્ટીએ ફરી એકવાર સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામને મંજૂરી આપી દીધી છે. કર્ણાટક સીએમની રેસમાં સિદ્ધારમૈયા તેમના પ્રતિસ્પર્ધી ડીકે શિવકુમાર પર ભારે પડ્યા હતા. તેઓ આવતીકાલે શપથ લઈ શકે છે. ડીકે શિવકુમાર સરકારમાં સામેલ થવા પર સસ્પેન્સ યથાવત છે.






ધારાસભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષને આપી હતી સત્તા


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો સાથે જંગી જીત નોંધાવી છે. આ પછી, રવિવારે (14 મે) બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીની પસંદગીનો અધિકાર કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નિરીક્ષકોએ ધારાસભ્યોનો અભિપ્રાય મેળવ્યો હતો. આ માટે ગુપ્ત મતદાન પણ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સિદ્ધારમૈયા પોતે પણ ગુપ્ત મતદાન ઈચ્છતા હતા.


બીજા દિવસે સોમવારે કોંગ્રેસના ત્રણ નિરીક્ષકો દિલ્હી પહોંચ્યા અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને તેમને ધારાસભ્યોના અભિપ્રાય વિશે જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયાને વધુ ધારાસભ્યોનું સમર્થન હતું, જેનાથી તેમનો દાવો મજબૂત થયો.


સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી હતી જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી. સિદ્ધારમૈયા સીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તે જેલમાં પણ ગયા છે.


સિદ્ધારમૈયા અને ડીકે બંને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેએ 2008માં સિદ્ધારમૈયાને JDSમાંથી કોંગ્રેસમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેઓ ખડગેની ખૂબ નજીક હોવાનું કહેવાય છે.સિદ્ધારમૈયા 2013 થી 2018 સુધી કર્ણાટકના સીએમ હતા. આ દરમિયાન તેમણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.


સિદ્ધારમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે. તે કર્ણાટકમાં ત્રીજો સૌથી મોટો સમુદાય છે. . સિદ્ધારમૈયાને શિવકુમાર કરતા મોટા જન નેતા માનવામાં આવે છે.