કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 184માં સુધારો કરવા આગ્રહ કર્યો છે. કોર્ટનો આ આગ્રહ એ સુનિશ્વિત કરવા માટે કરવામાં આવ્યો છે કે દુષ્કર્મ પીડિતાઓની તપાસ માત્ર મહિલા ડૉક્ટરો દ્વારા જ કરવામાં આવે. તેનાથી તેમની પ્રાઇવેસીના અધિકારનું રક્ષણ થઇ શકશે.


હાઈકોર્ટે સરકારને આપ્યા નિર્દેશ


હાઈકોર્ટની સિંગલ બેંચના જસ્ટિસ એમજી ઉમાએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો કે જ્યાં સુધી સંશોધન કરવામાં ના આવે ત્યાં સુધી દુષ્કર્મ પીડિતાની તબીબી તપાસ રજિસ્ટર્ડ મહિલા ડૉક્ટર દ્વારા અથવા તેની દેખરેખ હેઠળ કરવામાં આવે. અદાલતે પોલીસ અધિકારીઓ, ફરિયાદી, ડોકટરો, તબીબી કર્મચારીઓ અને ન્યાયિક અધિકારીઓ સહિતનાઓને દુષ્કર્મ પીડિતા સાથે સંવેદનશીલતાપૂર્વક વ્યવહાર કરવાના મહત્વ વિશે શિક્ષિત અને સંવેદનશીલ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.


'પીડિતાઓને ગોપનીયતાનો અધિકાર છે'


કોર્ટે આ નિર્દેશ દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના આરોપી અજય કુમાર ભેરાની જામીન અરજી ફગાવી દેતા આપ્યા હતા.  જસ્ટિસ ઉમાએ કહ્યું કે પુરાવા પરથી જાણવા મળે છે કે આરોપી ભેરા ગુના માટે જવાબદાર હતો અને ગુનાની ગંભીર પ્રકૃતિને કારણે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.


કોર્ટે નોંધ્યું હતું કે એક પુરૂષ તબીબી અધિકારીએ પીડિતાની તબીબી તપાસ હાથ ધરી હતી, જે લગભગ છ કલાક સુધી કોઈ સ્પષ્ટતા કે અભિપ્રાય આપ્યા વિના ચાલી હતી. પીડિતા માટે અનુકુળ તપાસની જરૂરિયાત પર ભાર મુકતા કોર્ટે કહ્યું હતું કે બળાત્કાર પીડિતાઓને પ્રાઇવેસીનો અધિકાર છે જેનું પોલીસ અને તબીબી કર્મચારીઓ દ્વારા સન્માન કરવું જોઈએ.


નોંધનીય છે કે કેરળ હાઈકોર્ટે વ્યવસ્થા આપી છે કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 આ દેશના દરેક નાગરિક પર લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મ સાથે સંબંધ ધરાવતો હોય. અદાલતે કહ્યું કે દરેક ભારતીય પહેલા એક નાગરિક છે અને પછી કોઈ ધર્મનો સભ્ય બને છે.


જસ્ટિસ પી.વી. કુન્હિકૃષ્ણને બાળ લગ્ન વિરુદ્ધ પલક્કડમાં 2012માં નોંધાયેલા એક કેસને રદ કરવાની અરજી પર તાજેતરના આદેશમાં કહ્યું કે વ્યક્તિ ગમે તે ધર્મનો હોય, પછી ભલે તે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી વગેરે હોય, આ અધિનિયમ બધા પર લાગુ પડે છે. અરજદારોએ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે મુસ્લિમ હોવાને કારણે છોકરીને 15 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો ધાર્મિક અધિકાર છે. આ અરજદારોમાં તે સમયે સગીર રહેલી છોકરીનો પિતા પણ સામેલ હતો.