Karnataka Hijab News: કર્ણાટકમાં હિજાબ વિવાદ શાંત થવાનુ નામ લઇ રહ્યો નથી. રાજ્યમાં 10મા સુધી સ્કૂલ શરૂ થઇ ગઇ છે. મંગળવારે કેટલાક સ્થળો પર હિઝાબ પહેરીને આવેલી છોકરીઓને સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. એક સ્કૂલમાં હિઝાબ પહેરીને આવેલી છોકરીઓને સ્કૂલમાં પ્રવેશ મળ્યો નહી તો છોકરીઓએ પોતાની પરીક્ષા પણ છોડી દીધી હતી. જ્યારે બીજી તરફ એક વિદ્યાર્થી દ્ધારા ભગવા સ્કાર્ફ લહેરાની ઘટના પણ સામે આવી છે. ગયા સપ્તાહમાં કર્ણાટક હાઇકોર્ટે પોતાના આદેશમાં તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ભગવા રંગની શૉલ, સ્કાર્ફ, હિઝાબ અથવા કોઇ પણ અન્ય ધાર્મિક નિશાન પહેરીને ક્લાસમાં આવવા પર રોક લગાવી દીધી હતી.


રાજ્યમાં સોમવારથી હાઇસ્કૂલ શરૂ થઇ ગઇ હતી અને સ્કૂલોમાં અધિકારીઓએ હિઝાબ અને બુરખો પહેરીને આવનારી વિદ્યાર્થીનીઓને કોર્ટના આદેશનું પાલન કરાવવા ક્લાસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. શિવમોગાની એક સ્કૂલમાં બુરખો પહેરીને આવેલી એક વિદ્યાર્થીનીને હિઝાબ હટાવવાનું કહેવામાં આવતા તેણે એક્ઝામ આપવાનો ઇનકાર કરી દીધો. છોકરીએ મીડિયાને કહ્યું કે અમે બાળપણથી હિઝાબ પહેરીએ છીએ અને અમે તેને છોડીશું નહી. હું પરીક્ષા નહી આપું અને ઘરે પાછી જતી રહીશ.


ચિક્કમગલુરુ જિલ્લાના ઇદવાર ગામની એક સરકારી સ્કૂલમાં હિઝાબ પહેરીને આવેલી મુસ્લિમ છોકરીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહી અને પાછા મોકલી દેવામાં આવી હતી. બાદમાં માતા પિતા સ્કૂલ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું  હતું.


દરમિયાન ઉડુપ્પી જિલ્લામાં વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ મૌલાના આઝાદ હાઈસ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.  હિજાબ પહેરેલી છોકરીઓને અલગ રૂમમાં બેસાડવાના સત્તાવાળાઓના નિર્ણયનો વિરોધ કર્યો હતો.  વિરોધ કરી રહેલા વાલીઓએ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા અને વર્ગમાં બેસવા દેવાની માંણી કરી હતી. માતાપિતાએ અધિકારીઓને કહ્યું હતું કે જો તેઓને હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો તેઓ તેમના બાળકોને શાળાએ નહીં મોકલે.