NDA JDS Alliance: ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને  જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા એચડી કુમારસ્વામીએ શુક્રવારે (22 સપ્ટેમ્બર) મુલાકાત કરી હતી. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. ત્રણેય નેતાઓ વચ્ચે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં સીટ વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી. કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ એનડીએમાં સામેલ થઈ છે.     


બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જેડીએસ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું, "કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મળ્યા. મને ખુશી છે કે જેડીએસે એનડીએમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.






જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આનાથી NDA અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ન્યુ ઈન્ડિયા, મજબૂત ભારતને  વધુ મજબૂત બનાવશે. જ્યારે એચડી કુમારસ્વામીએ કહ્યું કે ગઠબંધન થઈ ગયું છે અને હવે અમે સીટ વહેંચણી અંગે ચર્ચા કરીશું. 


શા માટે મહત્વનું છે ?


હાલ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે સત્તા ગુમાવવી પડી હતી. ભાજપે 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી.


આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ગઠબંધન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં 25 બેઠકો જીતી હતી, જ્યારે તેના સમર્થિત અપક્ષ એક બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસ એક-એક સીટ જીતી હતી. રાજ્યમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. 


JDS કેટલી સીટો પર ચૂંટણી લડશે ?


ભાજપના વરિષ્ઠ નેતા અને સંસદીય બોર્ડના સભ્ય બીએસ યેદિયુરપ્પાએ તાજેતરમાં કહ્યું હતું કે જેડીએસ કર્ણાટકમાં ચાર લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે.