બેંગલુરુ:  દેશમાં કોરોના કેસમાં ઘટાડો આવ્યો છે પરંતુ વાયરસનો કહેર યથાવત છે. તેની વચ્ચે કર્ણાટક સરકારે સાત જૂન સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેની જાણકારી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (Karnataka CM BS Yediyurappa)એ આપી હતી. તેમણે કહ્યું કે, સિનિયર અધિકારી અને મંત્રીઓ સાથે બેઠક બાદ લોકડાઉનની મુદ્દત લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 24 મે સુધી કડક પ્રતિબંધો લાગુ રહેશે. નિષ્ણાંતો અનુસાર 7 જૂન સુધી આ પ્રતિબંધો લાગુ રહેશે. 


સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે, અગાઉની માર્ગદર્શિકા આમાં પણ લાગુ રહેશે.  હું લોકોને અપીલ કરું છું કે કારણ વગર ગમે ત્યાં ન જવું. આ સિવાય બ્લેક ફંગસ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, બ્લેક ફંગસના દર્દીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે કરવામાં આવશે.


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ? 


કર્ણાટકમાં શુક્રવારે 32 હજાર 218 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. નવા કેસો સાથે રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 23 લાખ 67 હજાર 742 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 353 લોકોનાં મોત નીપજ્યાં છે, તેની સાથે મૃત્યુઆંક વધીને 24 હજાર 207 થઈ ગયો છે. શુક્રવારે 52 હજાર 581 લોકો સાજા થયા હતા.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 259,551 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4209 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,295 લોકો ઠીક પણ થયા છે.  


કુલ કેસ- બે કરોડ 60 લાખ 31 હજાર 99
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 27 લાખ 12 હજાર 735
કુલ એક્ટિવ કેસ - 30 લાખ 27 હજાર 925
કુલ મોત - 2 લાખ 91 હજાર 331


રાજ્યોની હાલત છે ખરાબ


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.