શી જિનપિંગના ભારત મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલે જણાવ્યું કે બન્ને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, માનસરોવર યાત્રા, પ્રવાસન જેવા મુદ્દા પર વાતચીત થઈ, પરંતુ કાશ્મીરના મુદ્દા પર કોઈ ચર્ચા થઈ નથી. વિદેશ સચિવે કહ્યું કે ભારત પહેલા પણ કહી ચુક્યું છે કે ભારતના આંતરિક મામલામાં કોઈ ત્રીજા પક્ષની દખલ મંજૂર નથી. ચીન સાથે ચર્ચા દરમિયાન કાશ્મીર મુદ્દો ઉઠ્યો નથી પરંતુ વૈશ્વિક આતંકવાદ અને કટ્ટરપંથના મુદ્દા પર બન્ને દેશોએ ચિંતા વ્યક્ત કરી.
વિદેશ સચિવે જણાવ્યું કે ચીની રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ચીન આવવા માટે આમંત્રણ આપ્યું. જેને પીએમ મોદીએ સ્વીકાર્યું છે. પીએમ મોદી આગામી વર્ષે ચીનના પ્રવાસે જશે.
પીએમ મોદીએ ચીનને કહ્યું કે ચીન સાથે મતભેદને ઝગડાનું કારણ નહી બનવા દેવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે અમે નક્કી કર્યું હતું કે અમે મતભેદોને પરસ્પર સહમતિથી ઉકેલ લાવીશું અને તેને વિવાદનું કારણ નહીં બનવા દઈએ.